સુરત, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : સુરતના ઉધના અને સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલા લાખોના કાપડ ચીટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નવી મુંબઈથી ઝડપી પાડ્યો હતો.આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો હતો તેમજ મુંબઈમાં હાલમાં તે ટેક્સી ડ્રાઈવિંગનું કામ કરતો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે સલાબતપુરા અને ઉધના પોલીસ મથકમાં નોધાયેલા કાપડ ચીટીંગના ગુનામાં સંડોવાયેલો આરોપી હાલ નવી મુંબઈ ખાતે ફરી રહ્યો છે.માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની એક ટીમ નવી મુંબઈ તલોજા વિસ્તારમાં ગયી હતી અને ત્યાંથી આરોપી રસીદ ઉર્ફે નાસીર રઝાક ગગન (ઉ.વ.34)ને ઝડપી પાડ્યો હતો.આરોપી સામે વર્ષ 2020ની સાલમાં સલાબતપુરા પોલીસ મથકમાં 22.81 લાખ તેમજ ઉધના પોલીસ મથકમાં 15.16 લાખનું કાપડ ચીટીંગનો ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાયા બાદથી આરોપી નાસ્તો ફરતો હતો.વધુમાં આરોપી હાલમાં મુંબઈ ખાતે ટેક્સી ડ્રાઈવિંગનું કામ કરવા લાગ્યો હતો.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડી તેનો કબજો સલાબતપુરા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.