– વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા અફરાતફરી
– બ્લાસ્ટમાં 2 લોકો ભડથું થયા, 2 લોકો ઈજાગ્રસ્ત
વલસાડ,તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.જેમાં કંપનીના બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળેલ છે.મોડી રાત્રે કંપનીમાં આગ લાગતા મોડી રાતથી જ બચાવની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો,જેના કારણે આગ ફાટી નીકળી હતી. પેટ્રો ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતા બે માળનો એક તરફનો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે.કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં કંપનીનો શેડ ધરાશાયી થયો હતો.એટલું જ આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની અસર જોવા મળી હકી.ઘટનાને લઈને આજુબાજુની કંપનીમાંથી કામદારો તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા.
મહત્વનું છે કે, આગની ઘટના અંગે જાણ થતા સરીગામ GIDC,દમણ GIDC,વાપી GIDC, નોટિફાઈડ સહિતની ફાયરફાઈટરની કુલ 7 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી.જે બાદ ત્રણ જેટલી 108ની ગાડીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બીજી તરફ ઘટના અંગે જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા.સાથે સાથે તંત્રના તમામ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબૂ કરવાની કામગીરી આરંભી હતી.જોકે ત્યાં સુધીમાં બે કામદારો આગમાં ભડથું થઈ ગયા હતા.જ્યારે આ ઘટનામાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્તોને હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જો કે, હજી સુધી કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.કાટમાળ હટ્યા બાદ જ કેટલા લોકો ફસાયા છે એ જાણી શકાય તેમ છે.મહત્વનું છે કે, ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આગામી સમયમાં મૃત્યુઆંક વધી શકે તેમ છે.