‘એન્કાઉન્ટર કેસમાં વિપક્ષોએ વધારે હોબાળો કરવાની જરૂર નથી, વાહન ગમે ત્યારે પલટી શકે છે’ ભાજપના મંત્રીનું નિવેદન

66

– તાજેતરમાં રાજુ પાલ હત્યા કેસના સાક્ષીની પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી
– એન્કાઉન્ટરની ઘટના બાદ ભાજપના મંત્રીએ કહ્યું, પ્રયાગરાજ કેસમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરી

લખનૌ, તા.28 ફેબ્રુઆરી-2023, મંગળવાર : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહાસચિવ અને રાજ્યના સહકારી મંત્રી જેપીએસ રાઠોડે મંગળવારે પ્રયાગરાજમાં ફાયરિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે.પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, પ્રયાગરાજ કેસમાં વિપક્ષોએ વધારે હોબાળો કરવાની જરૂર નથી,વાહન ગમે ત્યારે પલટી શકે છે.ફાયરિંગ કેસમાં એક આરોપી અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.

રાજુ પાલ હત્યા કેસમાં સામેલ માફિયાઓને છોડાશે નહીં : યોગી આદિત્યનાથ

રાજુ પાલ હત્યા કેસના સાક્ષીની ત્રણ દિવસ પહેલા પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.આ કેસમાં માફિયા કિંગ અતીક અહેમદ અને તેના પરિવારના સભ્યોના નામ સામે આવી રહ્યા છે.પોલીસે આતિકના બંને પુત્રો, તેના સાળા,તેની પત્ની અને અન્ય કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે.ઘટના સમયે કાર ચલાવી રહેલા એક આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.અગાઉ ગૃહમાં પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહી ચુક્યા છે કે, તેઓ આ મામલામાં સામેલ માફિયાઓને છોડશે નહીં.ત્યારબાદ ભાજપના સહકારી મંત્રી જેપીએસ રાઠોડનું નિવેદન ગંભીર ઈશારા કરનારું છે.

UPના રાજકારણમાં વાહન પલટી જવાનો અર્થ એન્કાઉન્ટર

મંગળવારે બપોરે વિધાનસભાની બહાર પત્રકારો સાથે વાત કરતા રાઠોડે જણાવ્યું કે, પ્રયાગરાજના મામલામાં રાજ્ય પોલીસ જોરદાર કાર્યવાહી કરી રહી છે.કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે.વિપક્ષે આ મામલે બહુ હોબાળો કરવાની જરૂર નથી, વાહન ગમે ત્યારે પલટી શકે છે. ઉલ્લેખનિય છે કે, વિકાસ દુબેના કેસમાં ઉજ્જૈનથી કાનપુર જતા માર્ગમાં તેની કાર પલટી ગયા બાદ પોલીસનો દાવો છે કે, ભાગવાનો પ્રયાસ કરતી રહેલા વિકાસ દુબેને પોલીસે ઠાર કર્યો હતો.ત્યારથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં વાહન પલટી જવાનો અર્થ એન્કાઉન્ટરથી લેવામાં આવે છે.અતીક અહેમદની પત્નીએ પહેલેથી જ એક પત્ર લખીને તેના પુત્રોના જીવને જોખમ હોવા અંગે કહ્યું છે,ત્યારબાદ જેપીએસ રાઠોડનું નિવેદન મામલાની ગંભીરતાને સ્પષ્ટ કરી રહ્યું છે.

Share Now