સુરત, 28 ફેબ્રુઆરી 2023 મંગળવાર : આગામી સમયમાં હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો હોળી ધૂળેટીનો પર્વ મનાવવા માદરે વતન જતા હોય છે.ત્યારે મુસાફરોના ઘસારાને ધ્યાને રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.આગામી તારીખ 3 થી 5 માર્ચ સુધી દાહોદ,ઝાલોદ,ગોધરા,છોટાઉદેપુર પંચમહાલ તરફ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
વાર તહેવાર પર એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે અને મુસાફરોને પણ સરળતા રહે છે.ત્યારે આ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.સુરત એસટી વિભાગ દ્વારા આગામી તારીખ 3 થી 5 માર્ચ સુધી દાહોદ,ઝાલોદ,ગોધરા,પંચમહાલ છોટાઉદેપુર તરફ અંદાજીત ૧૫૦ થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે આ ઉપરાંત મુસાફરોની માંગ વધશે તેમ તેમ વધુ બસોનો ઉમેરો કરાતો જશે.હાલમાં અંદાજીત 50 થી 60 રેગ્ય્યુલર બસો આ રૂટ પર દોડી રહી છે.પરંતુ હોળી ધૂળેટીના તહેવારને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી ગુર્જરે જણાવ્યું હતું કે સુરત વિભાગ દ્વારા હોળી ધુળેટીના પર્વ નિમિત્તે તારીખ 3, 4 અને 5 ના રોજ દાહોદ, ઝાલોદ,ગોધરા,છોટાઉદેપુરના ત્યાંના પેસેન્જર માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત જે પણ જે પણ પેસેન્જરનો ગ્રુપ હશે અને આખી બસનો જો બુકિંગ કરતા હશે,તો એમને જે તે સ્થળે પણ બસની સુવિધા પૂરી પાડવામાં આવશે.આ ઉપરાંત ઓનલાઈન બુકિંગ પણ શરુ કરવામાં આવ્યું છે લોકો અડાજણ,ઉધના અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સવારે 6 કલાકથી રાત્રીના 10 કલાક સુધી એડવાન્સ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકે તે હેતુથી ઓનલાઇન એડવાન્સ બુકિંગ પણ શરુ કરવામાં આવ્યું છે.જે હોળી પછી પણ ચાલુ રહેશે.
સુરત એસટી વિભાગીય નિયામક પી.વી ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે એક્સ્ટ્રા બસો દોડાવવાથી ગયા વર્ષે 56 લાખની આવક એસટી નિગમને થઈ હતી આ વખતે માઇક્રો પ્લાનિંગ કર્યું છે કે જેથી 10% નો વધારો સાથે અમે મિનિમમ અમે 70 લાખની આવકનો અંદાજ રાખ્યો છે.મુસાફરોને સારી સુવિધા પણ મળી શકે અને એસટી નિગમને આવક પણ થાય તે પ્રકારનું આયોજન કરાયું છે.