– જમીન કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓને પકડવા પોલીસ કાર્યવાહી કેમ ગોકળગાય ગાયની ગતિએ ચાલી રહી છે ?
– પોલીસ ટીમ જ્યંતિ એક્લેરા અને ગુડ્ડુ પોદ્દારની જલ્દીમાં જલ્દી ધરપકડ કરે જેથી કેસમાં વધુ ડેવલપમેન્ટ થઇ શકે
સુરત, 15 માર્ચ 2023 બુધવાર : ( એડિટર : જિગર વ્યાસ ) : શહેરના બહુચર્ચિત આપઘાત પ્રયત્ન કેસમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે.બિલ્ડરના આપઘાત પ્રકરણમાં એસઆઇટીની રચના થઇ ચુકી છે જેમાં ગતરોજ પીડિત એવા અશ્વિન ચોવટિયાએ પોતાના નિવેદનો નોંધાવ્યા છે.પરંતુ ઝીરો નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર થયાના અઠવાડિયા બાદ પણ જયંતિ એક્લેરા અને તેના સાગરીતો હજી પણ પોલીસ પકડથી દૂર છે જેને લઇ હવે પોલીસ તપાસ ફરતે પ્રશ્નો ઉપસ્થિત થયા છે.તાત્કાલિક ગુનાઓ ડિટેકટ કરવા માટે જાણીતી સુરત શહેર પોલીસનો પનો જ્યંતિ એક્લેરા,ગુડ્ડુ પોદ્દાર આણી મંડળીની ધરપકડ કરવામાં કેમ ટૂંકો પડી રહયો છે ? જે બાબતે શહેરના બિલ્ડર આલમ અને લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પખવાડિયા અગાઉ અમદાવાદ ખાતે ઝેરી દવા પી વરાછા વિસ્તારના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ આપઘાતનો લાઈવ વિડિઓ શેર કર્યો હતો.જે પ્રકરણને લઇ સમગ્ર રાજ્યમાં આ કિસ્સાએ ભારે ચર્ચા જગાડી હતી.આ વિડીઓમાં અશ્વિન ચોવટિયાએ તેની તમામ માલ-મિલકત શહેરના અવધ ગ્રુપના નામી બિલ્ડર જયંતિ એક્લેરા અને તેના મળતિયાઓએ પચાવી પાડી બરબાદ કરી દીધો હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો છે.તેમજ સુસાઇડ નોટ અને કોલ રેકોર્ડિંગ પણ સામેલ હોય તેવા તમામ પુરાવા મૂકી આપધાતનો પ્રયાસ કર્યો હતો,જે પ્રકરણમાં સૌ પ્રથમ ગત તારીખ 2 માર્ચે અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી,ત્યારબાદ તારીખ 6 માર્ચના રોજ સુરતના સરથાણા પોલીસ મથકે ઝીરો નંબરથી આ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી હતી.જેમાં અવધ ગ્રુપના જ્યંતિ એક્લેરા સહીત ગુડ્ડુ પોદ્દાર,ગૌરવ સલુજા,ધીરુ હિરપરા,રજની કાબરિયા,જીગ્નેશ સખિયા,પરેશ વડોદરિયા સામેલ છે તેવા તમામ વિરુદ્ધ કાયદાકીય કોરડો વીંઝાયો હતો.
આ ચકચારી કેસની ગંભીરતા જોતા શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમારે સીટની રચના કરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને તપાસ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીને સોંપાઈ છે.સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે જયંતિ બાબરીયા ઉર્ફે એકલરા અને એના સાગ્રીતોના મેળાપીપણામાં અન્ય જમીન સંબંધિત ગુનાઓની સંભાવના જોતા તપાસ શરુ કરવામાં આવી હતી જે હાલ પણ ચાલી રહી છે.અશ્વિન ચોવટિયાના જમીન પ્રકરણની તપાસ દરમ્યાન વધુ એક બિલ્ડર પ્રકાશ લીંબાસીયા સાથે પણ 32 કરોડ રૂપિયાની ઠગાઈ અને ફ્લેટો તેમજ દુકાનો પચાવી પાડવાનો કારસો રચાયો હોય જેની ફરિયાદ પણ દાખલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો.અશ્વિન ચોવટીયા અને પ્રકાશ લીંબાસીયાના બંને કેસમાં એક સરખી મોડેસ ઓપરેન્ડી હેઠળ જયંતિ એક્લેરા અને ગુડ્ડુ પોદ્દારે ખેલ પાડી દીધો હોવાના આરોપો છે.જેમાં પહેલાં ફરિયાદ કરનારા અશ્વિન ચોવટીયાએ પોતાની સાથે થયેલી છેતરપિંડીના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જયારે બિલ્ડર પ્રકાશ લીંબાસીયાએ આપઘાત ન કરવો પડે એ માટે ડાયરીઓમાં થયેલી ઠગાઈના કારણે ધીરુ હિરપરા અને ગુડ્ડને ફ્લેટોના દસ્તાવેજો કરી આપ્યા હતા.આ બંને અલગ અલગ કેસમાં અંદાજિત 50 કરોડ રૂપિયા કરતા વધુનો ખેલ થયો હોય તે સ્પષ્ટ બાબત છે જયારે સૌથી ચર્ચિત બાબત એ છે કે, સૌ પ્રથમ જ્યંતિ એક્લેરા વિરુદ્ધ 200 કરોડનો આરોપ લેન્ડ બ્રોકર સુમિત ગોએન્કાએ વિડિઓ થકી કર્યો હતો જે હાલ પિક્ચરમાં ક્યાંય દેખાઈ રહયો નથી.સુમિતના વિડિઓ જાહેર થયા બાદ બે ગુનાઓ ગુડ્ડુ પોદ્દાર આણી મંડળી વિરુદ્ધ નોંધાય ચુક્યા છે છતાં પોલીસ અવધ ગ્રુપના જયંતિ એક્લેરા સામે ગંભીર અને સંગીન આક્ષેપ હોવા છતાં સુમિત ગોએન્કા અને જયંતિ એકલેરાની ધરપકડ કે કોઈ સખ્ત કાર્યવાહી કેમ નથી કરી રહી ? તે બાબતે શંકાસ્પદ કામગીરીને લઇ પ્રશ્નો ઉપસ્થિત થયા છે.સુમિત ગોએન્કાએ 200 કરોડના આક્ષેપ જયંતિ એક્લેરા સામે કર્યા છે અને કહેવાય છે કે સુરત શહેરનું આ જમીન કૌભાંડ 800 કરોડ કરતા વધુનું છે જેમાં શહેરના નામચીન બિલ્ડરો,ફાઇનાન્સરો અને બ્રોકરો સંડોવયેલા છે.ત્યારે છેલ્લા પંદર દિવસથી ટોક ઓફ ઘી ટાઉન બનેલા જમીન કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓને પકડવા પોલીસ કાર્યવાહી કેમ ગોકળગાય ગાયની ગતિએ ચાલી રહી છે ? બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ અમદાવાદના હોસ્પિટલમાંથી બહાર આવી પોલીસ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવી ચુક્યા છે,જયારે બીજી તરફ ભોગ બનેલા બિલ્ડર પ્રકાશ લીંબાસિયાનું પણ નિવેદન પોલીસ નોંધી ચુકી છે.આ ઘટનાક્રમ વચ્ચે શહેરના બિલ્ડર આલમમાં ચર્ચા કહો કે અફવા એવી ચાલી રહી છે કે અવધ ગ્રુપના બિલ્ડર જયંતિ એક્લેરા અને અશ્વિન ચોવટીયા વચ્ચે સમાધાન થઇ ચૂક્યું છે.અશ્વિન ચોવટિયાને દબાણ કરીને સમાધાન કરવા મજબુર કરવામાં આવ્યા છે.જયારે બીજી બાજુ આ મામલે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન પણ દાખલ થઇ ચુકી છે જેમાં પીડિત કમ ફરિયાદી અશ્વિન ચોવટિયાએ એફિડેવિટ કરી હોવાની પણ વાત છે તેમજ પ્રકાશ લીંબાસીયાના કેસમાં મધુસુદન દરેક અને ગૌરવ સલુજાન રિમાન્ડ પુરા થઇ ચુક્યા છે.
આ ઉપરાંત અન્ય એક એવી પણ ચર્ચા છે કે જે વખતે અશ્વિન ચોવટિયાનો વિડિઓ વાઇરલ થયો હતો તેની આસપાસના સમયગાળામાં જ જયંતિ એક્લેરાએ આગોતરા જામીન મેળળવા પ્રયાસ કર્યા હતા.જે ન મળતાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી છે અને સમગ્ર કેસમાં સમાધાન થઇ ચુક્યું છે.જયારે બીજી બાજુ ચર્ચા એવી છે કે જ્યંતિ એકલરા વિરુદ્ધ વધુ સંખ્યાબંધ ફરિયાદ થઈ શકે એમ છે પંરતુ જો અશ્વિન ચોવટીયા અને પ્રકાશ લીંબાસીયાના કેસમાં ફરાર જયંતિ એક્લેરા પોલીસ ગિરફ્તમાં આવે તો અને પોલીસ ડિટેઇલ ઇન્વેસ્ટિગેશન કરે તો જ આ શક્ય છે, કારણ કે લેન્ડગ્રેબિંગનો શિકાર થયેલા લોકો જયંતિ એકલેરાના રાજકીય કનેક્શન અને રૂપિયાની તાકાતથી માહિતીગાર હોવાના લીધે ન્યાય ન મળે એવી કુશંકાના કારણે આગળ આવી રહ્યા નથી.ભોગ બનનારાઓને એવો ડર પણ સતાવી રહ્યો છે, કે ન્યાય મળશે નહીં પરંતુ સીટ તપાસના આદેશ આપનારા શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શરૂઆતમાં જ કહ્યું હતું કે કોઈ તમને ડરાવે,ધમકાવે કે ત્રાસ આપે તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો ત્યારે હવે જયંતિ એક્લેરા જો પોલીસ પકડમાં આવે તો વધુ ફરિયાદો નિશ્ચિતપણે દાખલ થાય એવી શક્યતા છે.જેથી હવે પોલીસે જયંતિ એકલેરાની ધરપકડ કરે એ સમયની માંગ છે.પોલીસ તપાસ આડાપાટે ચડે અને જમીન કૌભાંડમાં ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’ જેવો ઘાટ સર્જાયો હોવાનું દેખાઈ હાલના તબક્કે દેખાઈ રહ્યું છે.
જાણકારો કહી રહ્યા છે કે જયંતિ એક્લેરા,ગુડ્ડુ પોદ્દાર અને સુમિત ગોએન્કા આ તમામ એકબીજા સાથે સંકળાયેલા છે અને એક સમયે આ તમામ સાથે મળીને જમીનનો ધંધો કરતા હતા પરંતુ સુમિત ગોએન્કા અને જયંતિ એકલરા વચ્ચે ગોવામાં 60 કરોડના જુગારને લગતા વહીવટને લઇ ઝગડો થયો હતો.જેના કારણે બંને વચ્ચે અંતઃશ ઉભી થઇ હતી અને ફાંટા અલગ થઇ ગયા હતા.ત્યારબાદ જ ગુડ્ડુ પોદ્દારે જ્યંતિ એક્લેરા સાથે હાથ મિલાવ્યો હતો તેમજ આ આખી ગેંગ તેમના ગોડફાધર જયંતિ એકલેરાના હાથ નીચે જમીનના બેનંબરી ધંધામાં દિન દુગની રાત ચોગની ગતિએ આગળ વધી રહ્યા હતા પરંતુ અશ્વિન ચોવટિયાએ આપઘાતનો પ્રયાસ કરતા ડાયરીના આધારે ફ્લેટો-દુકાનો પડાવી લેવાના ખેલ ઉંધો પડ્યો છે.હાલમાં માત્ર અશ્વિન ચોવટીયા અને પ્રકાશ લીંબાસીયા બે જ ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી છે.આવનારા દિવસોમાં જયંતિ એકલરા પોલીસ પકડમાં આવે તો જમીનમાં આચરાયેલા વધુ ગુનાઓ સંબંધિત ફરિયાદ દાખલ થવાની શકયતા હોવાનું છે.એસઆઈટી રચાયાના અઠવાડિયા બાદ પણ જયંતિ એકલેરાની ધરપકડ ન થતા સમગ્ર બિલ્ડર આલમ અને લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે.આ કેસમાં પોલીસ ત્વરિત જયંતિ એકલેરાની ધરપકડ કરે તો ઘણા સ્ફોટક રહસ્યો બહાર આવે એવી શક્યતા છે.હાલમાં સૌની નજર શહેર પોલીસ તરફ કેન્દ્રિત થઇ છે.સમગ્ર કેસમાં બાહોશ પોલીસ ટીમ જ્યંતિ એક્લેરા અને ગુડ્ડુ પોદ્દારની જલ્દીમાં જલ્દી ધરપકડ કરે જેથી કેસમાં વધુ ડેવલપમેન્ટ થઇ શકે.
વધુમાં એવી પણ એક ચર્ચા છે કે સંભવિત આ અઠવાડિયામાં કવોશિંગ પીટીશનના આધારે જયંતિ એકલેરાને અશ્વિન ચોવટિયાના કેસમાં ક્લિનચીટ મળી શકે છે જયારે બીજી તરફ સામાજિક દબાણના આધારે 32 કરોડના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ભોગ બનનારા બિલ્ડર પ્રકાશ લીંબાસીયા સાથે પણ સમાધાન કરવા પ્રયત્નો બંધ બારણે થઇ રહ્યા છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે.ત્યારે હવે ચકચારી કેસમાં આગળ શું થાય છે તેને લઇ જોવું રહ્યું.હાલના તબબકે પોલીસને ત્રણ આરોપીઓ પકડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે ત્યારે મુખ્ય સૂત્રધાર જયંતિ એક્લેરા અને કોઠાકબાડાના મોહરાં એવા ગુડ્ડુ પોદ્દારને જો પોલીસ ઝડપી પાડે તો સમગ્ર પ્રકરણમાં ધરબાયેલાં રહસ્યો બહાર આવશે અન્યથા અંતે જમીન કૌભાંડમાં પિંડું વળી જશે એવી આશંકા સેવાઈ રહી છે.
અત્રે વિશેષપણે નોંધનીય છે કે, જયંતિ એક્લેરા,ગુડ્ડુ પોદ્દાર આણી મંડળી વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં કેસની ગંભીરતાને જોતા અમુક આઈપીસીની કલમો નોન કંપાઉન્ડેબલ છે જેમાં સમાધાન થવું શક્ય નથી,પરંતુ મામલો હાઇકોર્ટમાં કવોશિંગ માટે પહોંચ્યો છે એવું જાણવા મળે છે.