
કડોદરા,તા. 21 માર્ચ 2023, મંગળવાર : સુરતમાં બુટલેગરો દારુ ઘુસાડવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે ત્યારે આવા જ એક કીમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.ગોવાથી સિમેન્ટ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકોને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે ટેન્કરમાંથી 27.90 લાખનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ 40.04 લાખનો મુદામાલ કબજે કર્યો છે.તેમજ એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરત જિલ્લાની કડોદરા જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી.એક આઇસર ટ્રાન્ઝિસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કરમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.આ દારુનો જથ્થો સિમેન્ટ ટેન્કરની આડમાં ભરીને ગોવાથી મુંબઇ,નાસિક, નવાપુર,વ્યારાના માર્ગે થઇ પલસાણાથી કડોદરા તરફ નેશનલ હાઈવે નંબર 48થી આવવાનો છે.બાતમીના આધારે પોલીસે અલથાણ કડોદરા જતા સર્વિસ રોડ પાસે રોડ પર આડાશ ઉભી કરી ટેન્કર ઝડપી પાડી પાડ્યું હતું. પોલીસે અંદર તપાસ કરતા કોઈને શંકા ન જાય તે માટે ટ્રાન્ઝીસ્ટ મિક્સર સિમેન્ટ ટેન્કરમાં થેલામાં દારૂનો જત્થો રહેલો હતો.
પોલીસે સિમેન્ટના ટેન્કરમાંથી 27.90 લાખનો દારૂ, 4300 રોકડ તેમજ 12 લાખની કિંમતનું સિમેન્ટનું ટેન્કર અને બે મોબાઈલ ફોન મળીને કુલ 40.04 લાખની મત્તા કબજે કરી હતી.તેમજ આ ઘટનામાં ડ્રાઈવર પપ્પુ મહાવીર શર્મા [ઉ.48] અને અબ્દુલ રહેમાન રહમતુલ્લા ખાન [ઉ.45] ની ધરપકડ કરી હતી.તેમજ આ ઘટનામાં દારૂનો માલ મંગાવનાર નાગેન્દ્ર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.