
ગાંધીનગર,તા. 21 માર્ચ 2023, મંગળવાર : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તે માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં ભરતી અંગે મોટી જાહેરાત કરી છે.જે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ ખાતામાં નવી ભરતી કરવાની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે.આ સાથે જ તેમણે જણાવ્યું કે, પોલીસ ભરતી માટેની પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા બાદ લેવામાં આવે,તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ક્યાં કેટલી ભરતી કરવામાં આવશે?
ગૃહ વિભાગ દ્વારા પોલીસ ખાતામાં આ વર્ષે જે 8 હજાર પદ પર ભરતી કરવામાં આવશે,તેમાં 325 બિનહથિયારી PSI, 6324 બિન હથિયારી કૉન્સ્ટેબલની જગ્યા ભરવામાં આવશે.આ સિવાય જેલ સિપાહી પુરુષ 678 અને મહિલાની 57 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2021-22માં પોલીસ ખાતામાં LRD, PSI સહિત 10 હજાર પદો પર ભરતી કરવામાં આવી હતી.જેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.