વાપી હાઇવે પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને અભયદાન અપાવ્યું : ત્રણ આરોપી પકડાયા

77

વાપી,તા.21 માર્ચ 2023,મંગળવાર : વાપી હાઇવે પર ગૌરક્ષકોએ મળેલી બાતમીના આધારે અબોલપશુઓ ભરી જતી ટ્રકનો 1 કિ.મી. સુધી પીછો કરી પકડી પાડ્યો હતો.ટ્રકમાં ખીંચોખીંચ અને ક્રુરતાપૂર્વક ભરેલા 11 પશુ મળી આવ્યા હતા.જો કે એક વાછરડો મૃત હાલત મળી આવ્યો હતો.પોલીસે ચાલક સહિત બેની ધરપકડ કરી હતી.પશુઓ પાલનપુરથી મહારાષ્ટ્ર કતલખાને લઇ જવાતા હતા.

પોલીસ પાસેથી મળતિ વિગત મુજબ વાપીના બલીઠા હાઇવે પર ગૌરક્ષકોએ મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે વેળા મુંબઇ તરફ જતા ટ્રક (નં.જીજે-02-ઝેડઝેડ-3102) ને રોકવા ઇસારો કરતા ચાલક પૂર ઝડપે હંકારી ગયો હતો. ગૌરક્ષકોએ પીછો કરી વાપી હાઇવે પર રેમ્બો હોસ્પિટલ નજીક ટ્રકને પકડી પાડ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઇ હતી.આઇસર ટ્રકમાં તપાસ કરતા ખીંચોખીંચ અને ક્રુરતાપૂર્વક 9 ગાય અને 2 વાછરડા ભરેલા મળી આવ્યા હતા.જો કે વારછરડો મૃત હાલતમાં મળી આવ્યો હતો.પોલીસે ચાલકની પૂછપરછ કરતા કોઇપણ જાતની પરમીટ વિના પશુઓની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે પશુ ભરેલો ટેમ્પો જપ્ત કરી બે આરોપી ઇમ્તિયાઝ મોહંમદ મીર (ઉ.વ.37, રહે.વડગામ,બનાસકાંઠા) અને ઇશ્ર્વરજી કેશાજી ઠાકોર (ઉ.વ.35, રહે.સિધ્ધપુર) ની ધરપકડ કરી હતી.પોલીસે બન્ને આરોપીની કરેલી પૂપછપરછમાં પાલનપુરથી રાજુ દેસાઇ નામના શખ્સે પશુઓ ભરાવી મહારાષ્ટ્ર લઇ જવાતા હતા.પોલીસે રાજુ દેસાઇને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે પશુઓનો કબજો વધુ સારસંબાળ કરવા વાપી-રાતા પાંજરાપોળને સોંપ્યો હતો.

મળતી વિગત મુજબ ટ્રક અબોલ પશુ ભરેલા વાહનો ભાગી ગયા હતા.રાજ્ય સરકાર દ્ધારા અબોલ પશુઓની હેરાફેરી અંગે કડક કાયદો બનાવાયા બાદ પણ મોટાપાયે કસાઇઓ દ્ધારા અબોલ પશુઓની વાહન મારફતે હેરાફેરી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.ત્યારે રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી પગલા ભરે તે જરૂરી છે.

Share Now