વિશ્વ વન દિવસ : સુરત વન વિભાગ દ્વારા જગંલમાં કરવામાં આવ્યુ રોપાઓનું વાવેતર

73

સુરત,તા.21 માર્ચ 2023,મંગળવાર : 21 મી માર્ચ સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.શહેરીકરણના કારણે શહેરમાં વૃક્ષોની સંખ્યા ભલે ઘટી હોય પરંતુ તેની સામે સુરત જિલ્લામાં આજુબાજુના ગામડાઓમાં અને જંગલોમાં વૃક્ષોની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે.સુરત વન વિભાગ દ્વારા વર્ષ 2022-23 માં 1440 હેકટરમાં વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં 49672 હેકટરમાં જંગલ વિસ્તાર આવેલો છે.જંગલોના સંવર્ધન અને રક્ષણ માટે 21મી માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.દર વર્ષે વન દિવસની થીમ અલગ અલગ રાખવામાં આવતી હોય છે.આ વર્ષે જંગલો અને તેમના આરોગ્યની થીમ ઉપર આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.શહેરી વિસ્તારમાં વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે પરંતુ તેની સામે જંગલોમાં વધુને વધુ વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે.સાથે જ જિલ્લામાં ગામડાઓમાં પણ વૃક્ષોનું પ્રમાણ વધ્યું છે સુરત જિલ્લા વન વિભાગના ડી.સી.એફ આનંદ કુમારે કહ્યું કે સુરત જિલ્લામાં 49672 હેક્ટરમાં જંગલ ફેલાયેલું છે,જેમાં જંગલના વિસ્તરણ માટે વિવિધ કામગીરી કરવામાં આવતી હોય છે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં આવતા હોય છે.તેની સામે ગામડાઓમાં પણ લોકોને વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે.સુરત જિલ્લાના લોકો વન વિભાગની અલગ અલગ યોજનાઓ લાભનો મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે જેમાં સૌથી વધુ ઓલપાડ કામરેજ અને પલસાણાનો થાય છે.આ યોજનાઓમાં ફાર્મ ફોરેસ્ટ યોજના,વિકેન્દ્રિત નર્સરી યોજના,ગ્રામવન યોજના,સામાજિક વનીકરણ યોજના અને વનમહોત્સવ યોજનાનો સમાવેશ થાય છે.દર વર્ષે 400 હેકટર જેટલુ વાવેતર થાય છે.અને ગ્રામજનોને રાહતદરે છોડવાઓ અને રોપાઓ આપવામાં આવે છે. જ્યારે જંગલોમાં ચોમાસા દરમિયાન મોટી સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવતા હોય છે તેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે.

સુરત વન વિભાગ દ્વારા મુખ્યત્વે નીચેની પ્રજાતિના રોપાઓનું વાવેતર જંગલોમાં કરવામાં આવ્યું છે.

(1) ઇમારતી : સાગ, સીસમ, હલદુ, કલમ, સીરસ

(2) ફળાઉ : સીતાફળ, કાજુ, ટીમરૂ, બીલી, મહુડો

(3) ગૌણ વન પેદાશ : બેડા, હરડે, આશન, સેવન, કડાયો, આમળા

(4) ઔષધિય : સતાવરી, અર્જુન, સાદડ

(5) જલાઉ : કાકડ, મોદલ, ખાખર, કુડી

(6) અન્ય: પતરાળી, કિલાઈ, ઉંભ, કુસુમ, આસન, આસિત્રા

Share Now