– કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત
– મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત મુદ્દો
સુરત, 23 માર્ચ 2023, ગુરુવાર : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા છે.આ પહેલા કોંગ્રેસ પક્ષના નેતાઓએ ગઈકાલે કહ્યું કે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવે તેવી સંભાવના છે.આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે.રાહુલ ગાંધીને આ મામલે બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે.તેમણે આ દરમિયાન સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી.તેમના જામીન મંજૂર કરાયા હતા.દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે.સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.
ભાજપના ધારાસભ્યે કેસ દાખલ કર્યો હતો
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.તેમનો આરોપ હતો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે.વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
શું છે મામલો?
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.
મોઢવાણિક સમાજની માનહાનીના કેસમાં આરોપી
મોઢવાણિક સમાજની માનહાનીના કેસમાં આરોપી રાહુલ ગાંધીને સુરતની સીજીએમ કોર્ટે દોષી જાહેર કર્યા છે.રાહુલ ગાંધીને આજે સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એચ.એચ.વર્માએ દોષી જાહેર કર્યા છે. 2019માં કર્ણાટકના કોલાર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન આરોપી રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને બદનામી થાય તેવા આક્ષેપો કર્યા હતા.
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
– महात्मा गांधी
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023
રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને 15 હજારનો દંડ
સુરતની સીજીએમ કોર્ટે આજે આરોપી રાહુલ ગાંધીને તકસીરવાન ઠેરવી કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ IPC 500 ,499 ની બદનક્ષી અંગે કોર્ટ ફરિયાદ કરી હતી
આજથી ચાર વર્ષ પહેલા એપ્રિલ-2019માં કર્ણાટક બેંગ્લોર થી 100 કિલોમીટર દૂર કોલર ખાતે લોકસભાની ચૂંટણી દરમિયાન તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોઢવણિક સમાજને મુદ્દે આપત્તિજનક નિવેદનો કરેલા.જે મુદ્દે સુરતના મોઢવણિક સમાજના અગ્રણી તથા સુરત શહેર પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની સીજીએમ કોર્ટમાં આરોપી રાહુલ ગાંધી વિરુદ્ધ IPC 500 ,499 ની બદનક્ષી અંગે કોર્ટ ફરિયાદ કરી હતી.
ફરિયાદપક્ષે કુલ 8 થી 9 સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી
આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદપક્ષે ફરિયાદી પૂર્ણેશ મોદી,સુરત મોઢવણિક સમાજના અગ્રણી સહિત કોલાર ડિસ્ટ્રિક્ટના ચૂંટણી કમિશનર જે. મંજુનાથ,ચંદ્રપ્પા સહિત કુલ 8 થી 9 સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક પુરાવા રજૂ કરી ફરિયાદ પક્ષ કેતન રેશમવાલાએ કેસ પુરવાર કરી આરોપીને દોષી જાહેર કરવા માંગ કરી હતી.