ગાંધી પરીવારે દેશ માટે પ્રાણોની આહુતિ આપી હોય સત્તાની મહત્વાકાંક્ષા કઈ જ નથી : દર્શન નાયક

131

સુરત.તા.24 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનીના કેસમાં બે વર્ષની સજા ફટકાર્યા બાદ આજરોજ લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.જેને કોંગ્રેસે વખોડી કાઢ્યું છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે એક અખબારી નિવેદનમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી અમારા સૌના આદર્શ નેતા છે,તેઓ દેશના યુવાનોની ધડકન છે.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારે સ્વ.જવાહરલાલ નહેરુ,સ્વ.ઇન્દિરા ગાંધી,સ્વ.રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનો દેશને આપ્યા છે,જેમણે સાચા લોક સેવક તરીકે દેશને રાહ ચીંધ્યો હોય,જેમણે ભારત દેશને જોડવાનું કામ કર્યું હોય એ પરિવાર માટે સત્તાની મહત્વાકાંક્ષા કઈ જ નથી.દર્શન નાયકે વધુમાં જણાવ્યું કે, આ એ પરિવાર છે જેમણે ભારત દેશને 21મી સદીમાં લઇ જવા માટે પોતાનું બલિદાન આપ્યું છે.એક સમયે વડાપ્રધાન તરીકે સોનિયા ગાંધીનું નામ દેશની ગલીયોમાં ગુંજી રહ્યું હતું તેવા સમયે દેશની લાગણી,માન અને મર્યાદાને ધ્યાનમાં રાખીને તેમણે પ્રધાનમંત્રી પદ ત્યાગી દીધેલું.પરંતુ દુઃખ ની વાત એ છે કે, જેમણે દેશ માટે આટલું મોટું બલિદાન આપ્યું હોય એ પરિવારને સામાજિક,રાજકીય સહિત તમામ ક્ષેત્રે હેરાન-પરેશાન કરીને દેશમાં બંધારણ-કાયદાની પણ ગરીમા જળવાતી નથી ! તેમજ બદલાની ભાવના રાખીને રાજકીય કિન્નાખોરી રાખીને સત્તાધારી પક્ષના નેતાઓએ હંમેશા દ્વેષ ભાવનાની જેમ વર્તણુક કરી છે..!!

નાયકે વધુમાં જણાવ્યું કે, દેશના કરોડો લોકોની મહેનત અને પરસેવાની મૂડી તેમજ પોતાની બચતના નાણા લૂંટીને વિદેશમાં ભાગી જનાર કેટલાક ઉદ્યોગપતિઓ સામે બોલવાની કે પગલાં લેવાની જગ્યાએ જેમણે દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે તે પરિવારને ખોટી રીતે બદનામ કરવામાં કશું બાકી રાખ્યું નથી,ત્યારે દેશવાસીઓ સારી રીતે જાણે છે.આ દેશના લોકો આ પરિવારનું ઋણ ક્યારેય નહીં ભૂલે.સુરત સહિત દક્ષિણ ગુજરાતના તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાહુલ ગાંધીની સાથે છે અને આવનાર દિવસોમાં પણ મહાત્મા ગાંધીજીના માર્ગે ન્યાયની લડત લડીશું અને જીતીશું.

Share Now