સુરત સ્થિત લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેરેકમાં કેદીઓએ આગ લગાડી : પોલીસ સાથે રકઝક… (VIDEO)

141

– રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ મામલે ગંભીર નોંધ લેવાઈ
– મોડી સાંજ સુધીમાં લેવાઈ શકે છે પગલાં

સુરત, 25 માર્ચ 2023, શનિવાર : ગત મોડી રાત્રે રાજ્યની 17 જેલ પૈકીની સુરતની લાજપોર જેલમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.દરોડાની કાર્યવાહી દરમિયાન લાજપોર જેલની બેરેકમાં આગ લાગી હોવાની બનવા પામી હતી.આ પ્રકારનુ ચેકિંગ રાજ્યમાં પ્રથમ વખત કરાયું હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા જેલમાં સવલતો ભોગવી રહેલા કેદીઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરની હાઇટેક ગણાતી લાજપોરમાં જેલમાં જાણે સરપ્રાઇઝ ચેકિંગ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ગતરોજ સાંજના સમયે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરેથોન મિટિંગ ચાલી હતી.ત્યારબાદ એકા એક મોડી રાત્રે રાજ્યભરની 17 જેલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ત્યારે સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલમાં પોલીસ કાફલો કાર્યવાહી કરી રહ્યું હતુ,તે દરમિયાન અચાનક જ જેલની એક બેરેકમાં આગ લાગી હતી.જો કે, બેરેકમાં આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી.પરંતુ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ દરોડાની કર્યવાહી અંગે કેદીઓને જાણ થઈ ગઈ હોવાથી કાર્યવાહી ખોરવાઈ તે માટે કેદીઓ દ્વારા આ આગ લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે ફાયર વિભાગને પૂછવામાં આવતા તેઓને લાજપોર જેલમાં આગનો કોઈ કોલ મળ્યો ન હોવાની વાત જણાવવામાં આવી હતી.તો બીજી તરફ ફાયર સેફટીના સાધનો થકી આગ પર જેલ પ્રશાસન દ્વારા જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.પરંતુ આ આગ કયા કારણોસર લાગી કે પછી લગાવવામાં આવી તે હજી સુધી જાણી શકાયું નથી.દરોડાની કાર્યવાહી દરમિયાન જેલમાં આગ લાગવી અને દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને કેદીઓ વચ્ચે રકઝક થવી એ બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે.ત્યારે બીજી તરફ સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.જો કે તપાસ કરવામાં આવે તો આગ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય તેમ છે.હાલ આ મામલે જેલ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી.પરંતુ દરોડાની કાર્યવાહી અને આગના વિડીયો સામે આવતા ગૃહરાજ્યમંત્રી હર્નાષ સંઘવીના શહેરની હાઈટેક ગણાતી લાજપોર જેલની ગંભીર અને બેદરકારી પણ સામે આવી છે.ત્યારે હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

લાજપોર જેલમાં દરોડા દરમિયાન રકઝક થતાં પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી

સુરતનું લાજપોર સેન્ટ્રલ જેલમાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે દરોડા પાડવામાં આવતા લાજપોર જેલમાંથી અંદાજિત 6 મોબાઈલ ફોન મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.આ ઉપરાંત ગાંજા અને અફીમની પડીકી મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.લાજપોર સેન્ટ્રલ જેલમાં મોડી રાત્રે સાડા ત્રણ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.તે દરમ્યાન રમઝાન બેરેકમાં બબાલ થતા વધુ પોલીસ ફોર્સ પણ બોલાવવી પડી હતી.તો બીજી તરફ રાજકોટ જેલમાંથી મોબાઇલ અને ગાંજાની પડીકી મળી આવ્યા હોય તો સવાલ એ ઊભો થાય છે કે જેલમાં આટલી સુરક્ષા હોવા છતાં કેદીઓ જેલની અંદર કઈ રીતે મોબાઈલ ફોન અને ખાવાની ચીજવસ્તુઓ લઈ જાય છે કે, પછી તગડી રકમ વસુલી કેદીઓને આ સુવિધા પુરી પાડવામાં આવે છે.જેલના ગેટ પર ચેકિંગ કરવામાં આવે છે,તેઓ તારીખે કોર્ટમાં લાવવામાં આવે છે ત્યારે પણ પોલીસ ગાર્ડ તેમની સાથે હોય છે,તો પછી આ આટલી ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ?

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે.સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો,છતાં ઉત્તર પ્રદેશમાં એક શખસની હત્યા કરાવી હોવાના અહેવાલ છે.તેણે વોટ્સએપ કોલથી વાત કરી હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે.

Share Now