– ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે ગયા રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું
– અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 42 લાખ લોકો રહે છે
ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યોએ મોટી સંખ્યામાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની સામે શાંતિ રેલી કાઢી હતી.આ અઠવાડિયાની શરૂઆતમાં ભાગલાવાદીઓએ કોન્સ્યુલેટની બહાર તોડફોડ કરી હતી.ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે ગયા રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું.તેના જવાબમાં આ રેલી યોજવામાં આવી હતી.
ખાલિસ્તાન સમર્થકોના હુમલા સામે ભારતે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અંગે ભારતે સોમવારે દિલ્હીમાં યુએસ એમ્બેસેડર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો.ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 42 લાખ લોકો રહે છે.ભારતીય મૂળના લોકો (3.18 મિલિયન) ની વસ્તી સાથે અમેરિકામાં ત્રીજો સૌથી મોટો એશિયન વંશીય જૂથ છે.
ભારતીય મૂળના લોકોએ તિરંગાની સાથે અમેરિકાનો ધ્વજ પણ લહેરાવ્યો
તેમણે ભાગલાવાદી શીખોની વિનાશક પ્રવૃત્તિઓની ટીકા કરી હતી.આ દરમિયાન કેટલાક ભાગલાવાદી શીખો પણ ત્યાં હાજર હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર હતી.કેટલાક ભાગલાવાદી શીખોએ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા,પરંતુ મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા અને અમેરિકાની સાથે ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.ભારતીય-અમેરિકનો ભારતની તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.તાજેતરના મહિનાઓમાં કેનેડા,ઓસ્ટ્રેલિયા અને યુકેમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે,જેમણે આ દેશોમાં કેટલાક હિંદુ મંદિરોમાં તોડફોડ કરી છે.
ખાલિસ્તાનીઓએ કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરતા દેખાવકારોએ પોલીસ દ્વારા મુકવામાં આવેલા અસ્થાયી સુરક્ષા અવરોધોને તોડી નાખ્યા હતા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે ખાલિસ્તાની ધ્વજ લગાવી દીધા હતા.જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા.આ ઘટનાના વિરોધમાં ભારત સાથે એકતા દર્શાવવા માટે શુક્રવારે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનોએ સાન ફ્રાન્સિસ્કો અને તેની આસપાસ ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો.