રાહુલ ગાંધી કેસમાં ચુકાદાને પાંચ-પાંચ દિવસો વીતી ગયાં પરંતુ હજી સુધી કોર્ટમાં અપીલ કેમ નથી થઇ?

47

વાયનાડના પૂર્વ સંસદ સભ્ય રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા ‘બધા જ મોદી ચોર છે’ મામલે પુર્ણેશ મોદી દ્વારા કરાયેલો માનહાનીનો દાવો માન્ય રાખીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.જો કે ચુકાદો સંભળાવ્યા બાદ રાહુલને તુરંત જ જામીન મળી ગયા હતાં અને સજા પણ એક મહિના સુધી સસ્પેન્ડ રાખવામાં આવી છે જેથી તેઓ ઉપલી કોર્ટમાં તેના વિરુદ્ધ અપીલ કરી શકે.

સામાન્ય રીતે કોઇપણ કેસમાં આરોપીને સજા થાય એટલે ઉપલી કોર્ટમાં તેને પડકારવા માટે તે પોતે અને તેનાં સગાંઓ તલપાપડ થતાં હોય છે.આટલું જ નહીં તેના વકીલ પણ આવી બાબતોમાં બને તેટલી ઝડપથી આ અપીલ ફાઈલ થઇ જાય તેની તકેદારી પણ રાખતાં હોય છે.બહુધા કેસમાં અપીલ એક કે બે દિવસમાં થઇ જતી હોય છે.પરંતુ રાહુલ ગાંધીને સજા પામે પાંચ દિવસ વીતી ગયા છે તેમ છતાં સેશન્સ કોર્ટ કે પછી હાઈકોર્ટમાં તેમને મળેલી સજાને પડકારતી અપીલ હજી સુધી ફાઈલ થઇ નથી.પત્રકાર પલ્લવી ઘોષનું માનીએ તો રાહુલ ગાંધીનાં વકીલોની ટીમને હજી સુધી ચુકાદાનું ભાષાંતર મળ્યું નથી.અહીં એ નોંધનીય છે કે પુર્ણેશ મોદીની ફરિયાદ પર આવેલો ચુકાદો ગુજરાતીમાં લખાયેલો છે.એવું જોવા મળે છે કે સ્થાનિક ભાષામાં અથવાતો હિન્દીમાં આપવામાં અને લખાયેલા ચુકાદાઓનું અંગ્રેજી ભાષાંતર ગુનેગાર તેમજ તેનાં વકીલોને થોડા દિવસ બાદ મળતું હોય છે.પરંતુ રાહુલ ગાંધીનો મુદ્દો અલગ છે.રાહુલ ગાંધી કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને તેઓ કોઈ સામાન્ય ગુનેગારની માફક આર્થિક સંકડામણ અનુભવતા હોય એવું પણ નથી.આથી ગુજરાતી ભાષામાં મળેલા ચુકાદાનું તેઓ મોં માંગ્યા પૈસા ખર્ચીને તુરંત જ ભાષાંતર કરાવીને ઉપલી કોર્ટમાં પોતાને મળેલી સજા વિરુદ્ધ અપીલ કરાવી શકે તેવા સક્ષમ છે.તો પછી ચુકાદાનું ભાષાંતર કરવા અથવાતો કરાવવામાં આટલી બધી ઢીલ કેમ વર્તાઈ રહી છે તે પ્રશ્ન કોઈને પણ સતાવી શકે છે.

અહીં મહત્વનો મુદ્દો એક એ પણ છે કે રાહુલ ગાંધીની લિગલ ટીમ જે આ કેસનું ધ્યાન રાખી રહી હતી તેમાં કોંગ્રેસના રાજ્યસભાના બે-બે સંસદ સભ્યો અને ગુજરાતનાં મોટા વકીલો શક્તિસિંહ ગોહિલ અને અમીબેન યાજ્ઞિક મુખ્ય હતાં.આ બંને વકીલો ગુજરાતી છે અને ગુજરાતનાં મોટા વકીલો હોવાને નાતે એ સ્વાભાવિક છે કે તેમની પાસે તેમનાં માટે કાર્ય કરતાં કર્મચારીઓની મોટી ટીમ ઉપલબ્ધ હશે.તો પોતાની વિશાળ ટીમનો ઉપયોગ કરીને શક્તિસિંહ ગોહિલ કે પછી અમીબેન યાજ્ઞિક ચુકાદાના 300 જેટલાં પાનાઓનું ભાષાંતર કેમ ન કરાવી શક્યા? જો ચારથી પાંચ લોકોને પણ ભાષાંતરના કામમાં લગાવી દેવામાં આવે તો પણ ચોવીસથી અડતાલીસ કલાકમાં આ કાર્ય પૂર્ણ થઇ શકે તેમ છે.તો આ બંને વરિષ્ઠ વકીલોએ આ બાબતનું ધ્યાન નહીં રાખ્યું હોય કે એમને ધ્યાને નહીં આવ્યું હોય તે એક પ્રશ્ન છે.

પ્રશ્ન તો એ પણ છે કે જો આ જ ચુકાદાને સુરતની જ સેશન્સ કોર્ટ અથવાતો ગુજરાત હાઈકોર્ટમાં પહેલાં પડકારવાનો છે તો પછી અહીં તો ગુજરાતી ભાષામાં લખાયેલો ચુકાદો પણ કામમાં આવી શકતો હતો તો પછી અપીલ કરવામાં આટલી વાર કેમ થઇ? કે પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી એવું વિચારે છે કે તેઓ આ ચુકાદાને સીધો જ સુપ્રિમ કોર્ટમાં પડકારશે અને તેને લીધે તેમને ગુજરાતીમાંથી અંગ્રેજી કરેલા ભાષાંતરની જરૂર પડવાની છે?

જો સિક્કાની બીજી બાજુ ધ્યાનથી જોઈએ તો એક શક્યતા એવી પણ હોઈ શકે જેને નકારવી અઘરી છે.આ શક્યતા એ છે કે ગુજરાતમાં આટલા વર્ષો કેસ ચાલ્યો અને શક્તિસિંહ અને અમીબેન યાજ્ઞિક રાહુલ ગાંધીને બચાવી ન શક્યા એટલે અપીલ બાબતે એમનાં પર ખુદ રાહુલ ગાંધી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓનો વિશ્વાસ ઉઠી ગયો હોય અને તેથી તેમની પાસે ભાષાંતર ન કરાવ્યું હોય? આમ રાહુલ ગાંધીને સજા કરાવતા ચુકાદાને ઉપરની કોર્ટમાં અપીલ કરવામાં જે સમય લાગી રહ્યો છે તે કદાચ રાહુલ ગાંધીની બેચેની નહીં પરંતુ કોંગ્રેસીઓને પણ બેચેન બનાવી રહ્યો હશે.આ પાછળનાં કારણો ગમે તે હોઈ શકે પરંતુ પોતાનાં પક્ષનાં સહુથી મહત્વના નેતાને બચાવવા માટે થઇ રહેલી આટલી મોટી આળસ કોઇપણ સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે અસમર્થ છે અને તેમાં પણ ભાષાંતર ઉપલબ્ધ ન હોવું એ તો તદ્દન નાખી દેવા જેવું કારણ છે.

Share Now