સુરતના ઉધનામાં અશ્લીલ વિડીયો બતાવીને ઘરે મઝહબી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા બદલ એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે.આરોપીની ઓળખ મોહમ્મદ મુદબ્બીર મોહમ્મદ બસીરુદ્દીન શેખ તરીકે થઇ છે. તે પોતાના ઘરે ખાનગી મદ્રેસા ચલાવતો હતો અને છેલ્લા છ મહિનાથી બાળકો સાથે આ કૃત્યો કરતો હતો.મૌલવી સામે તેને ત્યાં અભ્યાસ કરતા બે સગીર બાળકોના વાલીઓએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવીને રૂમમાં લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.જેના આધારે પોલીસે તેની સામે IPCની કલમ 377 અને પોક્સો એક્ટની કલમો હેઠળ FIR દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત બાળકના વાલીએ જણાવ્યું કે તેમનો સગીર પુત્ર મોહમ્મદ મુદબ્બીર શેખ પાસે તેના ઘરે ઉર્દૂ અને અન્ય મઝહબી શિક્ષણ લેવા માટે જતો હતો.દરમ્યાન ગત 21 માર્ચે રાત્રે તેણે ઘરે આવીને રડતાં-રડતાં પરિવારને ફરિયાદ કરી હતી અને પોતે મૌલવી પાસે અભ્યાસ માટે નહીં જાય તેમ જણાવ્યું હતું.પરિવારે સમજાવીને વધુ પૂછપરછ કરતાં તેણે મૌલાનાની કરતૂતોનો ખુલાસો કર્યો હતો.
અશ્લીલ વિડીયો બતાવતો, શારીરિક અડપલાં કરતો
ફરિયાદ અનુસાર, પરિજનોએ પૂછતાં બાળકે જણાવ્યું હતું કે, મૌલવી તેને બેડરૂમમાં લઇ જઈને અશ્લીલ વિડીયો બતાવતો અને અશ્લીલ હરકતો કરતો હતો તેમજ તેનાં કપડાં ઉતારીને શારીરિક અડપલાં કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. જણાવવામાં આવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી આ પ્રકારે બાળકનું શોષણ કરવામાં આવતું હતું.જ્યારે બાળકે અશ્લીલ વિડીયો જોવાની ના પાડી દીધી તો મૌલાનાએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને તે જેમ કહે તેમ કરવા માટે મજબુર કર્યો હતો.ફરિયાદ અનુસાર, અન્ય બાળક સાથે પણ તે આ જ પ્રકારની હરકત કરતો હતો.જ્યારે બંનેના વાલીઓને આ બાબતની જાણ થઇ તો તેમણે પોલીસનો સંપર્ક કરતાં સમગ્ર મામલો ખુલ્યો હતો.
મૂળ ઝારખંડનો, 40-50 બાળકો અભ્યાસ માટે આવતાં
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મૌલાના મૂળ ઝારખંડનો રહેવાસી છે અને પરણિત છે અને સંતાનોમાં એક પુત્રી છે.પત્ની અને પુત્રી ઝારખંડમાં રહે છે જ્યારે પોતે ઘણાં વર્ષોથી ઉધનામાં રહે છે.તે સાઉદી અરેબિયા પણ રહી આવ્યો છે.અગાઉ તે નજીકની મસ્જિદમાં મૌલાના તરીકે કામ કરતો હતો પરંતુ છ મહિના પહેલાં તેને છૂટો કરવામાં આવ્યો હતો.ત્યારથી તે પોતાના ઘરે એક ખાનગી મદ્રેસા ચલાવતો,જેમાં ચાળીસથી પચાસ જેટલા વિદ્યાર્થીઓ આવતા હતા.
મૌલવીએ ચારથી પાંચ બાળકો સાથે આ પ્રકારનાં કૃત્યો કર્યાં હોવાનું જાણવા મળ્યું છે,જેમાંથી 2 દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.પોલીસે ઉમેર્યું કે, મદ્રેસાના જેટલા બાળકો સાથે તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું હશે તેમની ફરિયાદ લઈને આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.