કહેવાય છે કે ભાજપ એક ચુંટણી જીતી જાય તો તરત જ બીજી ચુંટણીની તૈયારીમાં લાગી પડે છે.હાલમાં જ ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે તરત જ આવનારી લોકસભાની ચુંટણીની તૈયારીમાં લાગી ગયું છે.ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે આ બાબતે કાર્યકર્તાઓને બધી સીટો પર વિરોધી પક્ષોની ડીપોઝીટ જપ્ત કરવા માટે હાકલ કરી હતી.
મળતી માહિતી અનુસાર, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના જન્મદિવસ અંતર્ગત શ્રમ કાર્ડ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ગણદેવી ભાજપ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમને હાજર રહેલા કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું હતું.આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે હું હાલમાં આખા ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યો છું.આપણે એવું આયોજન કરવું છે કે આવનારી લોકસભા ચુંટણીમાં ભાજપા સામે લડનારા તમામ પક્ષોની ડીપોઝીટ જપ્ત થઇ જવી જોઈએ.ભાજપના દરેકે દરેક ઉમેદવાર ઓછામાં ઓછા પાંચ લાખ વોટથી જીતવા જોઈએ.
સી.આર પાટીલ તેમની કાર્યશૈલીના કારણે જાણીતા છે.તેઓ જે ટાર્ગેટ નક્કી કરે છે તેને કઈ રીતે પાર પડવું તેનું ખુબ જ સુક્ષ્મ આયોજન કરે છે.તેમના અધ્યક્ષ ટર્મ દરમિયાન તેમને લાગુ કરેલી પેજ સમિતિ પદ્ધતિ ખુબ જ કારગર નીવડી હતી. ભાજપની ગુજરાતમાં 150થી વધુ સીટો આવે તેવો ટાર્ગેટ પણ તેમને જ રાખ્યો હતો બાદમાં ભાજપાની 156 સીટો આવી હતી.
સી.આર પાટીલ ઈ.સ. 2009થી નવસારીથી સાંસદ છે.ત્યાર બાદ તેઓ નવસારીથી ત્રણવાર લોકસભાની ચુંટણી લડ્યા છે.હર વખતે તેમની લીડમાં વધારો જ થયો છે.આટલું જ નહીં પરંતુ ઈ.સ. 2019ની ચુંટણીમાં આખા ભારતમાં સૌથી વધુ મતોથી જીત મેળવી હતી.તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી નજીકના વ્યક્તિ પણ માનવામાં આવે છે.પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં સૌથી વધુ સીટો જીતવાનો વિક્રમ પોતાના નામે કરી લીધા બાદ એ જોવાનું રહ્યું કે લોકસભામાં તમામ વિરોધ પક્ષના નેતાઓની ડીપોઝીટ જપ્ત થઇ જાય તેવો ટાર્ગેટ પાર પાડી શકે છે કે નહીં? તેમાં ગુજરાતની જનતા તેમને કેટલો સાથ આપે છે.