– દિલ્હી સરકારે વધતા જતા કેસ વચ્ચે મહત્વની બેઠક બોલાવી
– કોરોનાથી એક દિવસમાં 14 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે
નવી દિલ્હી, 30 માર્ચ 2023, ગુરુવાર : દેશમાં કોરોનાનો ફરી પગપેસારો શરુ થઈ ગયો છે.કોરોના સંક્રમણની ઝડપ વધી રહી છે.કોરોનાના એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,016 કેસ નોંધાયા છે.દેશમાં છેલ્લા છ મહિનામાં આ સૌથી વધુ કોરોના કેસ છે.ગયા વર્ષે 2 ઓક્ટોબરે કોરોનાના 3,375 કેસ નોંધાયા હતા.
દેશમાં 13 હજારથી વધુ સક્રિય કેસ
મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,396 લોકો કોરોનાથી સાજા થયા છે.દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે વધીને 13,509 થઈ ગયા છે.આ પહેલા 29 માર્ચે એક્ટિવ કેસની સંખ્યા 11,903 હતી.આ સાથે કોરોનાથી એક દિવસમાં 14 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 5 લાખ 30 હજાર 862 લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.47 કરોડથી વધુ કેસ નોંધાયા છે.આ ઉપરાંત કુલ 4 કરોડ 41 લાખ 68 હજાર 321 લોકો સાજા થયા છે.આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી
દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી છે.દિલ્હી સરકાર આજે બપોરે કોવિડની સ્થિતિ પર એક બેઠક યોજશે.આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે બેઠક કરશે.