દીકરી પર નજર બગાડે તેવા સરપંચ પાસેથી શું આશા રાખવી ! જાણો વડોદરા પાસેનો ચકચારી કિસ્સો

147

– પિતાની નોકરી લાલચ આપી સગીરા સાથે કર્યો દુષ્કર્મનો પ્રયાસ
– સગીરાએ માતા-પિતાને જાણ કરતા ફરિયાદ નોંધાવી

રાજ્યભરમાં સગીરાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે આવી જ એક ઘટના પાદરાના દૂધવાડા ગામમાંથી સામે આવી છે.જેમાં ગામના સરપંચે 16 વર્ષની સગીરા સાથે દૂષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.જેની જાણ પરિવારને થતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા તાલુકાના દૂધવાડા ગામે રહેતી 16 વર્ષની કિશોરી ધોરણ 10નો અભ્યાસ કરી માતા-પિતાને ઘરકામમાં મદદ કરતી હતી.પિતાને સંતાનમાં એકમાત્ર આ દીકરી હોવાને કારણે તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતાની કોઇક જગ્યાએ નોકરી મળે તેની તલાશમાં હતી.જેને પગલે ગત 29મી માર્ચના રોજ ગામના સરપંચ ઉત્તમભાઇ ગોવિંદભાઇ પટેલ દ્વારા સગીરાને ફોન કરી તારા પિતાને નોકરી જોઇતી હોય તો તું સોહમ કંપની ખાતે આવી જા કહ્યું હતું.જેથી સગીરા પોતાના પિતા સાથે મોટર સાયકલ લઈને સોહમ કંપની ખાતે ગયા હતા.

કંપનીમાં સગીરા પિતા સાથે પહોંચ્યા બાદ ઓફિસમાં બેઠા હતા. જ્યાં અન્ય એક ગામના સરપંચ હાજર હતા.સગીરાના પિતા સાથે નોકરી બાબતે વાતચીત કર્યા બાદ ઉત્તમભાઇ પટેલની દાનત કિશોરી ઉપર બગડી હોવાથી તેના પિતાને ઓફીસમાં બેસાડી રાખી કિશોરીને ઓફીસની બહાર બોલાવી હતી.અને ઉત્તમ પટેલે કિશોરીને ગોડાઉનમાં તેની સાથે આવવાનું કહી હાથ પકડી લીધો હતો.જો કે કિશોરીએ એક જ ઝાટકે પોતાનો હાથ છોડાવી લીધો હતો.તેમ છતાં ઉત્તમ પટેલ તેને ગોડાઉનમાં લઇ જવાનો આગ્રહ રાખતો હતો.જો કે કિશોરી ત્યાંથી પોતાના પિતાને લઇ પરત ઘરે આવી ગઇ હતી.જે બાદ કિશોરી દ્વારા આ મામલે પરિવારને જાણ કરી હતી.અને ઉત્તમ પટેલ છેલ્લા 10 માસથી મોબાઇલ ફોન ઉપર વોટસએપ મેસેજ અને ફોન કોલ કરી તેને પરેશાન કરતો હોવાનું જણાવ્યું હતું.જેથી રોષે ભરાયેલા માતા-પિતા દ્વારા સગીરાને લઈ પાદરા પોલીસ મથકે પહોંચી સરપંચ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે કિશોરીની ફરિયાદ નોંધી દૂધવાડા ગામના સરપંચ ઉત્તમભાઇ ગોવિંદભાઇ પટેલ સામે દુષ્કર્મનો પ્રયાસ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Now