મલાડમાં રામનવમીએ રમખાણ મચાવવાનું પૂર્વનિયોજિત કાવતરું હતું

87

– મસ્જિદ પાસે એકઠા થયેલા આરોપીઓએ કાવતરું ઘડયું હતું
– પોલીસ તપાસમાં વિગતો મળતાં સિનિયર પોલીસ ઓફિસરના નિર્દેશને પગલે એફઆઈઆરમાં નવી કલમ ઉમેરવામાં આવી

મુંબઈ,તા. 11 એપ્રિલ 2023 મંગળવાર : મુંબઈના માલવણી વિસ્તારમાં ગત મહિનાના અંતે રામનવમીની શોભાયાત્રા વખતે બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારાની તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વની માહિતી મળી છે.મસ્જિદ પાસે બેસીને ગુનાહિત કાવતરુ ઘડવાનો આરોપ કરવામાં આવ્યો છે.આથી હવે કેસમાં સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમ ઉમેરવામાં આવી છે.મલાડના માલવણીમાં ૩૦ માર્ચે બનેલી ઘટનામાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ૨૦૦થી વધુ લોકો સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

હિંસાના કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમે એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના એક ઓફિસર અને માલવણી પોલીસ સ્ટેશનના એક પોલીસના બીજી એપ્રિલના નિવેદન નોંધ્યા હતા.બંને પોલીસે તેમના નિવેદનોમાં તપાસ ટીમને જણાવ્યું હતું કે ‘૩૦ માર્ચે હિંસા માટે ઝડપાયેલા અને ફરાર આરોપીઓએ ઈરાદાપૂર્વક કાવતરુ ઘડયું હતું.તેઓ એક સાથે એક મસ્જિદ પાસે બેઠા હતા.આદેશોનું ઉલ્લંધન કરીને ગેરકાયદે જમા થઈ ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.તદનુસાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નિર્દેશોને પગલે બીજી એપ્રિલે એફઆઈઆરમાં આઈપીસી કલમ ૧૨૦ (બી) (ગુનાહિત કાવતરા) ઉમેરવામાં આવી હતી.અગાઉ પોલીસે આઈપીસીની વિવિધ કલમો ૩૫૩, ૩૨૪, ૧૪૫, ૧૪૭ અને મહારાષ્ટ્ર પોલીસ એકટની સંબંધિત કલમો હેઠળ આરોપીઓ સામે એફઆઈઆર નોંધી હતી.

અગાઉ પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે ‘માલવણીમાં મસ્જિદની પાસે રામનવમી શોભાયાત્રામાં મોટા અવાજે ડીજે મ્યુઝિક વગાડવાના લીધે વિવાદ થયો હતો.

એફઆઈઆર મુજબ, બજરંગ દળ,વિશ્વ હિંદુ પરિષદ અને કેટલાક અન્ય હિંદુ સંગઠનો દ્વારા આયોજિત રામનવમીની શોભાયાત્રામાં છ હજારથી વધુ લોકો સામેલ થયા હતા.મોડી સાંજે રામ જાનકી મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.સાંજે ૭.૨૫ વાગ્યાની આસપાસ શોભાયાત્રા જામા મસ્જિદ તરફ આગળ વધી રહી હતી.ત્યારે લગભગ ૧૦૦થી ૧૫૦ લોકોએ મસ્જિદમાં નમાઝ ચાલી રહી હોવાથી મ્યુઝિકના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો હતો.અવાજ ઓછો ન કરાતા ત્યાં કેટલાંક સૂત્રોચ્ચાર કરાયા હતા.મ્યુઝિક સામે વાંધો ઉઠાવનાર એક વ્યક્તિએ કથિત રીતે શોભાયાત્રા પર પથ્થર ફેંક્યો હતો અને તે એક સહભાગીને વાગ્યો હતો.સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીએ તરત જ પથ્થર ફેંકનાર વ્યક્તિને તાબામાં લીધો હતો.એફઆઈઆર મુજબ જ્યારે ૮.૪૫ વાગ્યાની આસપાસ અલી હઝરત મસ્જિદ પાસે શોભાયાત્રા પહોંચી હતી.ત્યારે ૨૦૦થી ૨૫૦ લોકોના ટોળાએ પથ્થરમારો શરૃ કર્યો હતો.

પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.તે સમયે પોલીસ પર પથ્થરમારો કરી મારપીટ કરાઈ હતી.ભૂડને કાબૂમાં લેવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હોવાનું કહેવાય છે.અથડામણમાં સામેલ લોકોને ડ્રોન અને સીસીટીવી ફૂટેજની મદદથી ઓળખ કરવામાં આવી હતી.

Share Now