– નસવાડીમાં લાંચ લેતા ઝડપાયેલ નાયબ કાર્યપાલક ઈજનેર ફરાર
– પૂછપરછ માટે લવાયેલ લાંચિયો અધિકારી ACBને ચકમો આપીને ફરાર
– આરોપી બે કોન્ટ્રાક્ટરોની મદદથી ભાગી છૂટ્યો
નર્મદા,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : છોટા ઉદેપુરના નસવાડી ખાતે ગઈકાલે એસીબીએ કરેલી કાર્યવાહીમાં એક અધિકારી લાંચ લેવાના ગુનામાં પકડાયો હતો.એસીબીએ છટકું ગોઠવીને મહામહેનતે તેને પકડી પાડ્યો હતો.જોકે ગઈકાલે દિવસે એસીબીએ તેને પકડ્યો પણ રાત્રે તે કોઈની મદદથી ભાગી છૂટ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે.આ લાંચિયાને હવે શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.
શું બન્યું હતું?
માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઈજનેર ગઈકાલે 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડાયા બાદ રાતે લાંચિયો અધિકારી ભાગી છૂટ્યો હતો.છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં સ્લેબ ડ્રેન(નાનો પુલ) નું કામ પૂર્ણ કરેલા જેના બિલના 1 કરોડ 20 લાખ મંજુર થયા હતા.જે બિલના 10 % લેખે 10 લાખની ની માંગણી નસવાડી ખાતે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ,નસવાડી ફરજ બજાવતા મદદનીશ ઈજનેર હરિશ સરદાર ચૌધરી ગઈકાલે બે લાખની રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.તેણે લાંચની માંગણી કરી,સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો હતો.એસીબીએ ગુનો રજીસ્ટ્રેશન કરી પૂછપરછ માટે તેઓ નસવાડી વિશ્રામ ગૃહ લઈ ગયા હતા.
દિવસે પકડ્યો, રાત્રે છૂમંતર
તે દરમિયાન રાત્રીએ કોઈની મદદથી આરોપી હરીશ ચૌધરી ભાગી છૂટતા હડકમ મચી જવા પામી છે.ચર્ચાઈ રહ્યું છે કે કોઈ કોટ્રાક્ટરની ખાનગી ગાડીમાં ભાગી છૂટ્યો હતો.ઉલ્લેખનીય છે કે રદારભાઈ ચૌધરીની ઉંમર ૩૨ વર્ષ છે અને હાલમાં ૪૦૪, વેદાંન્ત રેસીડેન્સી,કાન્હા ફ્લેટની પાછળ,સોમાતળાવ,ડભોઈ રોડ, વડોદરા રહે છે અને મુળ રહેવાસી. સરદારપુર, ચીકણા તા.સતલાસણ જી.મહેસાણા નો છે.હાલ પોલિસની અલગ અલગ ટિમો વડોદરા,નર્મદા છોટાઉદેપુર સહિત અન્ય વિસ્તારોમાં હરીશ સરદાર ચૌધરીને શોધવા કામે લાગી છે.
પોલીસ કામગીરી સામે સવાલ
ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડે. ઈજનેર હરેશ ચૌધરીની કાર અને ઓફિસમાં પણ તપાસ હાથ ધરી હતી.હાલ આરોપી ફરાર થતાં પોલીસના કામકાજ અંગે સવાલો ઉઠી રહ્યા છે.સાથે આરોપીને ભગાડી જવામાં પણ કેટલાક લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે.આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે તે જોવું રહ્યું.