DEO તાબોટા પાડે ! ફી મુદ્દે સુરતની ‘સેવન્થ ડે’ સ્કૂલે વિદ્યાર્થીનીઓને LC પકડાવી દીધા : આ રીતે ભણશે ગુજરાત ?

182

– સુરતમાં ફી મુદ્દે સેવન્થ ડે શાળાની મનમાની
– સેવન્થ ડે શાળાએ 8 વિદ્યાર્થિનીઓને આપ્યા LC
– ફી ભરવાની બાકી હોવાથી વિદ્યાર્થિનીઓને પકડાવી દીધા LC

સુરત,તા. 12 એપ્રિલ 2023, બુધવાર : સુરતમાં ફરી એક વખત શાળાની મનમાની સામે આવી છે.સુરતની સેવન્થ ડે શાળાએ 8 વિદ્યાર્થિનીઓને ફી ન ભરતા LC આપી દીધા છે.જેને લઈ ભારે વિવાદ સર્જાયો છે.વાલીઓનો આરોપ છે કે સ્કૂલ DEOના આદેશનું પણ પાલન ન કરીને મનમાની કરે છે.ચાલુ શાળાએ 8 વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાલીઓએ શાળા બહાર પહોંચીને શાળા પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો હતો.તેમજ વારંવાર વિદ્યાર્થિનીઓને ફી મુદ્દે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો

વિદ્યાર્થિનીઓને LC આપીને બહાર કાઢવામાં આવતા વિદ્યાર્થિનીઓ શાળા બહાર ભાવૂક થઈ હતી.વિદ્યાર્થિનીએ રડતા રડતા કહ્યું કે, અમને એલસી આપીને કાઢી મૂક્યા છે,એ પણ ખાલી ફી માટે.ફી તો અમે એડમિશન લીધું ત્યારે ડોનેશનના નામ પર પહેલા ભરી દીધી છે,તો પછી કેમ અમારી પાસેથી ફી ઉઘરાવે છે.અમે કંઈ કર્યું નથી,તો પણ અમને એલસી આપવામાં આવેલું છે.

અન્ય એક વિદ્યાર્થિનીએ કહ્યું કે, અમારી ફી ઓલરેડી જમાં છે,તો પણ અમને એલસી આપી દીધું છે.આજે મારો બર્થ ડે છે,મને ખબર નહોતી કે સ્કૂલ મને આ ગિફ્ટ આપવાની હતી.સ્કૂલવાળા કહે છે કે તમે ફી નહીં ભરો તો અમે આવતીકાલે પરમિટ નહીં આપીએ અને સ્કૂલમાંથી કાઢી નાખીશું.

આ મામલે વાલીએ જણાવ્યું કે, બાળકો સાથે માનસિક અત્યાચાર કરવામાં આવ્યો છે.પરીક્ષા વખતે અને ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓને ઉભા કરીને એમ કહેવામાં આવે છે કે તારી ફી ભરેલી નથી.ફીની બાબત વાલીઓ અને સ્કૂલ વચ્ચેની છે,આમાં બાળકોને હેરાન કરવાનો કોઈ અધિકાર નથી.તેમ છતાં કુરિયર દ્વારા એલસી અમારા ઘરે પહોંચી ગયા છે.અમારી માંગ એટલી જ છે કે અમારી ડોનેશનની રકમ જમા છે,તેને ફીમાં સરભર કરી આપો.

અન્ય એક વાલીએ જણાવ્યું કે, શાળાએ એડમિશન વખતે અમારી પાસેથી એડવાન્સ ફી લીધી હતી.જેની અમે ફરિયાદ કરી હતી.જે બાદ DEOએ શાળાને નોટિસ આપીને કહ્યું કે આ ફી વાલીઓને 8 દિવસમાં પરત આપી દો.આ વાતને આજે 4 વર્ષ થયા. ગઈકાલે રાત્રે DEOએ હુકમ કર્યો કે આ રકમ વાલીઓને ફીમાં સરભર કરી દેવી અને બાળકોને જે એલ.સી આપ્યા છે,તેને રદ્દ કરીને બાળકોના શિક્ષણને ચાલું રાખવાનો ઓર્ડર કરેલો છે.તેમ છતાં શાળા દ્વારા ડીઈઓની કોઈ વેલ્યું નથી. DEOના લેટરનું કોઈ પાલન કરવા તૈયાર નથી.

વાલીઓમાં ભારે રોષ

સવાલ એ થાય કે ફીનો મુદ્દો વાલી અને શાળા વચ્ચેનો છે અને જો તે વિવાદનો ઉકેલ હજુ આવ્યો ન હોય ત્યારે વિદ્યાર્થિનીઓ સાથે આવો વ્યવહાર કરવાનો અધિકાર શાળાને કોણે આપ્યો.ફી મુદ્દે વિદ્યાર્થિનીઓને બહાર કાઢી દેવાની ઘટનાથી અન્ય બાળકો પર કેવો અસર થશે તેના વિશે શાળાએ કેમ ન વિચાર્યુ.ત્યારે સેવન્થ ડે શાળામાં બનેલી ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ છે.તેમજ શિક્ષણનું ધામ ફી માટે વિદ્યાર્થિનીઓ સાથે આવું કેવી રીતે કરી શકે તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.

સળગતા સવાલ

– સ્કૂલોની મનમાની ક્યારે બંધ થશે?
– શું શાળાઓ નફા કમાવવાનું સાધન બની છે?
– ફી માટે બાળકના ભવિષ્ય સાથે ચેડા કેમ?
– સ્કૂલોની મનમાની સામે એક્શન ક્યારે?
– સેવન્થ ડે શાળા સામે કાર્યાવાહી ક્યારે?
– બાળકોને શાળામાંથી કાઢવાનો અધિકાર કોણે આપ્યો?
– શિક્ષણના ધામ નફાનો ધંધો કેમ કરે છે?

Share Now