CM ભૂપેન્દ્ર પટેલે પૂર્ણા નદી પર ડેમના કામનો કર્યો શિલાન્યાસ

128

નવસારી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લામાં પૂર્ણા નદી પર ડેમના કામનો શિલાન્યાસ કર્યો હતો.આ પ્રસંગે સ્થાનિક સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા નવસારી તાલુકાના લોકોને ક્ષારથી મુક્ત કરવા અને વરસાદમાં પૂરથી મુક્તિ મેળવવા માટે ડેમ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે.સરકારે બે દાયકા પહેલા આ યોજનાને મંજૂરી આપી હતી,પરંતુ 18 એપ્રિલે આ યોજનાના નિર્માણ કાર્ય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિ-ધર્મ જોયા વગર વિકાસની રાજનીતિ કરી રહ્યા છે.તેઓ ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે.નવસારી તાલુકામાં પૂર્ણા નદી પરની જળ સંચય યોજના પૂર્ણ થતાં નવસારી સહિત 23 ગામોને પીવાનું મીઠું પાણી મળશે.

પૂર્ણા નદી પરના ડેમના કામનો શિલાન્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું લોકાર્પણ કર્યું છે.ગુજરાતમાં પંચશક્તિનો વિકાસનો પાયો નાખવામાં આવ્યો છે આ પંચશક્તિ એટલે જળ શક્તિ,જ્ઞાન શક્તિ,સંરક્ષણ શક્તિ,ઉર્જા શક્તિ અને જનશક્તિ,જેના કારણે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ કે ધર્મને અનુલક્ષીને ગુજરાતના વિકાસ માટે કામ કર્યું છે.સી.આર.પાટીલજી જેવા જનપ્રતિનિધિ હોય તો પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે.જનપ્રતિનિધિ કેવા હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ સી.આર.પાટીલ છે.નવસારીના સંસદસભ્ય તરીકે સી.આર. પાટીલ હંમેશા એ વિચારીને કામ કરે છે કે તેમના મત વિસ્તારનો કોઈ નાગરિક મુશ્કેલીમાં ન આવે.કોવિડ જેવા રોગચાળામાંથી આપણે બહાર આવી ગયા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસના કામો માટે પાણીની અછત ન સર્જાય તેનું આયોજન કર્યું છે.

આ પ્રસંગે બોલતા નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યના 65 ટકા વરસાદી પાણી દક્ષિણ ગુજરાતમાં છે.પાટીલે જણાવ્યું હતું કે, આ યોજના પૂર્ણ થયા બાદ નવસારી સહિત આસપાસના 23 ગામોને પીવાનું મીઠું પાણી મળશે.પાટીલે કહ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અમે દાંડીનો વિકાસ કરવાની માંગણી કરી હતી.દાંડી એક ઐતિહાસિક સ્થળ હોવાને કારણે તેનો ઘણો વિકાસ થયો છે.આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયા,મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share Now