વડોદરા, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : સરકારી પગાર ઓછો પડતા કેટલીક વખત સરકારી બાબુઓ સત્તાનો ફાયદો ઉપાડીને ઉપરની આવકનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા હોય છે.જેના કારણે તેમને જેલની પણ હવા ખાવી પડતી હોય છે.ત્યારે આવા જ એક નાયબ મામલતદાર ઉપરની આવક મેળવવા જતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયો છે.જેમાં વડોદરાના કરજણતાલુકાના નાયબ મામલતદાર પંચક્યાસ માટે રૂપિયા 50 હજારની લાંચની માગણી કરતા એ.સી.બી.ના હાથે ઝડપાયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના કરજણમાં ફરિયાદી સરકારી યોજના સુજલામ-સુફલામ યોજના અંતર્ગત માંકણ ગામના તળાવમાંથી તેઓની માલીકીના સર્વે નં. 117માં માટી પુરાણના કામ માટે પંચાયત ખાતે અરજી કરી હતી.આ અરજીના અંગે ગ્રામ પંચાયત કચેરીએ ઠરાવ કરી આપ્યો હતો.ત્યારબાદ મામલતદાર કચેરી દ્વારા ફરિયાદીને સ્થળ પર બોલાવીને પંચક્યાસ કરવામાં આવ્યું હતું.આ પંચક્યાસ અરજદારને આપવા માટે નાયબ મામલતદાર રાજેશકુમાર મહેન્દ્રભાઈ પટેલે અરજદારને કહ્યું હતું કે, અમારા વ્યવહારનું શું? આમ નાયબ મામલતદારે લાંચની માગણી કરતા અરજદારે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરી ફરિયાદા કરી હતી.
આમ લાંચ પેટે રૂપિયા 50 હજારની માગણી કરતા નાયબ મામલતદારને ઝડપી લેવા માટે ભરૂચ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.વી. વસાવા દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં આરોપી સાથે રકઝક બાદ લાંચ પેટે રૂપિયા 50 હજારના બદલે રૂપિયા 30 હજાર લેવા નાયબ મામલતદાર રાજેશ કુમાર મહેન્દ્રભાઈ પટેલ તૈયાર થયો હતો અને આ લાંચની રકમ સ્વિકારતા જ એ.સી.બી.એ તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.હાલ એ.સી.બી.એ વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.