
– નાવડી પલટી મારતા શ્રદ્ધાળુઓ નદીમાં ડૂબ્યા
– NDRF ની ટીમે ડૂબી રહેલા શ્રદ્ધાળુઓને બચાવી લીધા
ભરૂચ, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : નર્મદા પરિક્રમા હાલમાં અંતિમ તબક્કામાં છે.ત્યારે આ પરિક્રમાં કરવા માટે દૂર દૂરથી ભાવી ભક્તો આવતા હોય છે.આ દરમિયાન ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં પરિક્રમા વાસીઓની નાવડી ડૂબી હતી.
નર્મદા પરિક્રમાર્થીઓની હોડી પલટી
દર વર્ષે ઉત્તરવાહિની પરિક્રમામાં માઁ નર્મદાની પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.અને હાલ નર્મદા પરિક્રમા હાલમાં અંતિમ તબક્કામાં છે ત્યારે મોટી સંખ્યાં ભક્તો આ પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે.ઉત્તરવાહિની પરિક્રમાની પૂર્ણાહુતિને હવે ફક્ત એક જ દિવસ છે.ત્યારે આ પૂર્વે જ નર્મદા પરિક્રમાર્થીઓની હોડી પલટી જવાની ઘટના સામે આવી છે.
NDRFની ટીમે તમામનું કર્યું રેસ્ક્યૂ
આજે વહેલી સવારે પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની નાવડી ડૂબવાની દુર્ઘટના સર્જાઈ હતી.એન્જીન વગરની સાદી નાવડીમાં 6 પરિક્રમા વાસીઓ નદી પાર કરવા જતાં હતા આ દરમિયાન નાવડી પલટી ગઈ હતા.અને નાવડીમાં બેઠેલા લોકો પાણીમાં પડ્યા હતા.આ નાવડીમાં લાઈફ જેકેટ કે કોઈ પણ પ્રકારની પ્રવાસીઓની સલામતીનો સામાન ઉપલબ્ધ ન હતો.જેથી નાવડીમાં બેઠેલા લોકોએ મદદ માટે બુમરાણ મચાવી હતી.જે બાદ NDRF ની ટીમ અહી દોડી આવી હતી. NDRF ની ટીમે ડૂબી રહેલા શ્રદ્ધાળુઓને બચાવી લીધા હતા.
સુરતથી આવેલ શ્રદ્ધાળુઓ સાથે દુર્ઘટના
નર્મદા પરિક્રમા કરવા સુરતથી આવનારા શ્રદ્ધાળુઓ સાથે દુર્ઘટના બની છે.નાવડીમાં 4 મહિલાઓ અને 2 પુરુષો બેઠા હતા સદનસીબે ડુબેલા તમામ લોકોને બચાવી લેવાયા છે.તંત્રએ પરિક્રમાર્થીઓ અને પ્રવાસીઓને ધ્યાને રાખી અગાઉથી જ ઈમરજન્સી સેવા માટે એસ.ડી.આર.એફ.ની ટીમને સ્ટેન્ડ બાય રાખી હતી.જેથી આ દુર્ઘટના સર્જાતા તુરંત જ એસ.ડી.આર.એફ.ની ટીમે પાણીમાં કુદીને તમામને બચાવી લીધા હતા.આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
વહેલી પરિક્રમા પુરી કરવા સેફ્ટી વગરની હોડીમાં સવારી
મહત્વનું છે કે તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે,પરંતુ વહેલી તકે પરિક્રમાપૂર્ણ કરવાની હોડમાં પ્રવાસીઓ માછીમારીની નાવડીમાં બેસી જતા હોય છે.આ હોડીઓમાં સેફ્ટી માટેના કોઇ સાધન ન હોવા છતા લોકો તેમાં બેસતા હોય છે.જેના કારણે આવી દુર્ઘટના બનતી હોય છે.