– રાજમાર્ગના દબાણના મુદ્દે હવે મતદારો આકરા મૂડમાં દેખાયા
– કોટ વિસ્તારના 3 કોર્પોરેટરો ગુમ થયા છે જેને મળે તેઓ તાત્કાલિક દબાણ દુર કરવા રાજમાર્ગ પર હાજર કરોને મેસેજ નો મારો શરૂ
સુરત, તા. 24 એપ્રિલ 2023 સોમવાર : સુરતના રાજમાર્ગ પર દબાણ મુદ્દે હવે લોકો હવે મરણીયા બન્યા છે.દબાણ મુદ્દે કેટલાક કોર્પોરેટરો ચુપ છે તેમની સામે મતદારોનો આક્રોશ સોશ્યલ મિડિયામાં જોવા મળી રહ્યો છે.કોટ વિસ્તારના મતદારો પોતાના કોર્પોરેટરો દબાણના મુદ્દે ગુમ થયા છે તેવા મેસેજ કરી રહ્યા છે.જો આ કોર્પોરેટરો મળે તો તાત્કાલિક દબાણ દુર કરવા રાજમાર્ગ પર હાજર કરોને મેસેજ નો મારો શરૂ થયાં છે.જેના કારણે આગામી દિવસોમાં દબાણ મુદ્દે કોર્પોરેટરો પર દબાણ આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
છેલ્લા 10 દિવસમાં સુરત શહેરના રાજમાર્ગ પર દબાણ મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે.કોટ વિસ્તારમાં દબાણના મુદ્દે કેટલાક કોર્પોરેટરો સક્રિય છે અને જાહેરમાં આ દબાણ દુર થાય તેવી માગણી સાથે લોકો સાથે ઉભા રહે છે.તો બીજી તરફ કેટલાક કોર્પોરેટરો જાહેર રસ્તા પર દબાણ મુદ્દે પલાયન નીતિ અપનાવી રહ્યાં છે તેના કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાના વોર્ડ નંબર 13માં રાજમાર્ગ- ચૌટા બજાર સહિત કેટલાક વિસ્તાર આવ્યા છે તેમાં દબાણની ભારે સમસ્યા છે.આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ બીજા વિસ્તારમાંથી આવે છે અને દબાણ કરતાં સ્થાનિક મતદારોની હાલત કફોડી થઈ રહી છે.આ મુદ્દે 10 દિવસ પહેલા રાજમાર્ગ પર બબાલ થઈ હતી. જેમાં સ્થાનિકો અને દબાણ કરનારા સામસામે આવી ગયા હતા અને પોલીસ કેસ પણ થયો છે.આ મુદ્દે વોર્ડ નંબર 13ના એક કોર્પોરેટર સંજય દલાલ સ્થાનિકોની પડખે રહ્યા હતા જ્યારે બાકીના ત્રણ કોર્પોરેટરો રેશ્મા લાપસીવાલા,મનીષા મહાત્મા અને નરેશ રાણા નામના કોર્પોરેટરો સમગ્ર પ્રકરણમાં અળગા રહેતા મતદારો અકળાયા છે.અકળાયેલા મતદારોએ સોશિયલ મીડિયામાં પોતાના આક્રોશ ઠાલવ્યો છે.
અકળાયેલા મતદારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે કે, ગુમ થયા છે કોટ વિસ્તારના ત્રણ કોર્પોરેટરો,. જેમને મળે તેઓ તાત્કાલિક આ લોકોને લઈને દબાણ દુર કરવા માટે રાજમાર્ગ પર હાજર કરો.હાથ જોડીને મત માગનારા હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યાં છે.આ પ્રકારની પોસ્ટ લીમડા ચોક,ઘંટી શેરી અને બાલાજી રોડના મતદારો આક્રોશ ઠાલવી રહ્યાં છે.જો દબાણ મુદ્દે હવે નગર સેવકો સ્થાનિકોનો સાથ નહી આપે તો આગામી દિવસોમાં લોકો કોર્પોરેટરોને રોડ પર ઉભા કરી દે તો નવાઈ નહી તેવી અટકળો પણ વહેતી થઈ છે.