– એકનાથ શિંદેએ 40 શિવસેનાના ધારાસભ્યો સાથે કરેલો બળવો મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં સૌથી મોટો બળવો
મુંબઈ, તા. 27 એપ્રિલ 2023, ગુરૂવાર : એકનાથ શિંદેના ગ્રુપે શિવસેના સામે બળવો કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ મચાવી દીધી હતી.મહારાષ્ટ્રના આ સત્તા સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય ટૂંક સમયમાં આવી શકે છે.મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ મચી ગયુ છે અને સીએમ એકનાથ શિંદેની ખુરશી ખતરામાં છે.એવું માનવામાં આવે છે કે જો સીએમ શિંદેની ખુરશી જશે તો આ ખુરશી પર અજિત પવાર,દેવેન્દ્ર ફડણવીસ,સુપ્રિયા સુલે,જયંત પાટીલ અને રાધાકૃષ્ણ વિખે પાટીલમાંથી કોઈ એક બેસી શકે છે.આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં એક અનાર ઔર પાંચ બીમાર જેવી સ્થિતિ નજર આવી રહી છે.સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષ પર ગમે ત્યારે પોતાનો ચુકાદો આપી શકે છે.
જો કોર્ટનો નિર્ણય સીએમ શિંદેની તરફેણમાં નહીં આવે તો તેમની ખુરશી જશે એ નક્કી છે.જો કે રાજ્યમાં કોર્ટના નિર્ણય પહેલા નેતાઓ અને તેમના સમર્થકોની નજર શિંદેના સીએમ પદ પર ટકેલી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાંચ નેતાઓને જ ભાવિ મુખ્યમંત્રી કહેવામાં આવી રહ્યા છે અને તેમના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે.પક્ષની નેતાગીરી ભલે કહેતી હોય કે તે કાર્યકરોની ભાવના અને ઉત્સાહથી આગળ કંઈ જ ન માનવાની વાત કહી રહી હોય પરંતુ સવાલ એ છે કે, શું આ હોર્ડિંગ્સ નેતાઓના આશીર્વાદ વિના લગાવવામાં આવી રહ્યા છે?
બધાની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર
એકનાથ શિંદે અને શિવસેનાના 40 ધારાસભ્યોના પાર્ટી સાથે બળવો અને ભાજપ સાથે સરકાર બનાવવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે.નિષ્ણાતોનું માનવું છે કે, આ અઠવાડિયે કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.એકનાથ શિંદે સહિત 16 ધારાસભ્યોને વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી સસ્પેન્શનની નોટિસને એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.
શું એકનાથ શિંદેની થશે છૂટ્ટી?
એકનાથ શિંદેએ 40 શિવસેનાના ધારાસભ્યો સાથે કરેલો બળવો મહારાષ્ટ્રના રાજકીય ઈતિહાસમાં સૌથી મોટો બળવો કહેવાય છે.શિંદેનું આ પગલું અને હિંમત તેમને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખૂબ નજીક લઈ ગયુ છે.બીજેપી અને શિંદેના નજીકના સૂત્રોનું કહેવું છે કે, શિંદે અને અમિત શાહ વચ્ચે શાનદાર ટ્યુનિંગ છે.આવી સ્થિતિમાં શિંદેને છૂટ્ટી થવાની ખબરો ભલે રાજકીય વર્તુળોમાં ચાલી રહી હોય પરંતુ કોર્ટના નિર્ણય બાદ પણ શિંદેને વિધાન પરિષદના સભ્ય બનાવીને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.