અમિત શાહ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને રાહત, કોર્ટમાં હાજર રહેવાની નોટીસ પર સ્ટે લંબાયો

50

– 2019માં સભા સંબોધન દરમિયાન આપ્યું હતું નિવેદન
– ભાજપના નેતા નવીન ઝાએ રાંચીમાં કરી હતી ફરિયાદ
– રાંચી કોર્ટે કરેલી ફોજદારી કાર્યવાહી રદ્દ કરવા HCમાં થઈ હતી અરજી

ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે સ્થાનિક ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહ પર તેમની વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં હાજર રહેવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જારી કરાયેલી નોટિસ પરનો સ્ટે લંબાવ્યો હતો.રાહુલ ગાંધીએ રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની સામે શરૂ કરાયેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવાની વિનંતી કરીને હાઈકોર્ટમાં અરજી કરી છે.

ભાજપ નેતાએ કરી હતી અરજી

જસ્ટિસ અંબુજ નાથે આ અરજી પર સુનાવણી કરતા નિર્દેશ આપ્યો કે આ સંબંધમાં કોર્ટના આગળના આદેશો સુધી ગાંધી વિરુદ્ધ કોઈ જબરદસ્તીભર્યું પગલું લેવામાં ન આવે. 3 ફેબ્રુઆરીએ હાઈકોર્ટે રાંચીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધીની હાજરીની નોટિસ પર રોક લગાવી દીધી હતી.ભાજપના નેતા નવીન ઝા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને રાંચીના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

અમિત શાહને બદનામ કરવાનો આરોપ

ઝાએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે 2019ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા રાહુલ ગાંધીએ તેમને બદનામ કરવાના હેતુથી ચાઈબાસામાં એક રેલીમાં બીજેપી નેતા અમિત શાહ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.ઝાએ ગયા વર્ષે 24 એપ્રિલે રાંચીના સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી,જેને કોર્ટે ફગાવી દીધી હતી.ત્યારબાદ ઝાએ ન્યાયિક કમિશનર રાંચીની કોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરી.અરજીને મંજૂર કરતાં કોર્ટે મામલો સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પરત મોકલ્યો હતો.

Share Now