ભર ઉનાળે પાણીના વલખાં : વડોદરાના સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો

77

વડોદરા,તા.02 મે 2023,મંગળવાર : વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ તુલસી માતાના મંદિર નજીક 30 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી ન હોય આજરોજ સ્થાનિકોનો મોરચો આમ આદમી પક્ષની આગેવાનીમાં કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો.અને ભાજપ પાર્ટીચિન્હના બેનર ઉપર માટલા ફોડી વિરોધ પ્રદર્શન સાથે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી વસાહતમાં તુલસી માતાના મંદિર નજીક મુખ્ય માર્ગને અડીને અંદાજે 30 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે.આ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન નાખવામાં આવી ન હોય સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે.ખાસ કરીને ગૃહિણીઓ વ્યાકુળ બની છે.ગરીબ વર્ગના વિસ્તારમાં આ પ્રકારની દુવિધા ઉદ્ભવતા પીવાનું પાણી ખરીદવાની નોબત આવી છે.વધુમાં કહ્યું હતું કે, વર્ષોથી પાણી માટે કોર્પોરેશન દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે.પરંતુ ટેન્કર આવતા જ પાણી મેળવવા માટે પડાપડી થાય છે.અને પ્રતિદિન અંદરો અંદર ઝઘડાઓ થાય છે.આ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો મોરચો આમ આદમી પક્ષની આગેવાનીમાં ખંડેરાવ માર્કેટ ઘસી ગયો હતો.અને ભાજપ પાર્ટી ચિન્હના બેનર ઉપર માટલા ફોડી પાણી આપોના સૂત્રોચાર પોકાર્યા હતા.મ્યુનિસિપલ કમિશનર હાજર ન મળતા તેઓએ મ્યુનિસિપલ કમિશનરની બહાર ધરણા કર્યા હતા.જોકે ડેપ્યુટી કમિશનરે તેઓની વાત સાંભળી વહેલી તકે સમસ્યના નિરાકરણની ખાતરી આપી હતી.અત્રે નોંધનીય છે કે ,સત્તાધીશો એ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યાનું મુખ્ય કારણ તેઓનો ઊંચાઈ વાળો વિસ્તાર છે.અંદાજે 20 ફૂટ ઊંચાઈ ધરાવતો વિસ્તાર હોવાથી પ્રેસરની સમસ્યા સર્જાય છે.જોકે તેમ છતાં વહેલી તકે તેઓને પાણી મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાશે.

Share Now