– યોગી સરકારમાં વધુ એક એન્કાઉન્ટર
મેરઠ : ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના રાજમાં એક પછી એક ગેંગસ્ટર્સનો સફાયો થઈ રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને એસટીએફે ગુરુવારે મેરઠમાં એક એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.
ગેંગસ્ટર અનિલ દુજાના ૧૦મી એપ્રિલે જામીન પર બહાર આવ્યો હતો. તેમે જેલમાંથી છૂટતાં જ ગૌતમબુદ્ધ નગરમાં તેના વિરુદ્ધ જુબાની આપનારા લોકોને ધમકીઓ આપી હતી. એસટીએફને માહિતી મળી હતી કે તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો.આથી તેની શોધખોળ કરાઈ હતી.આ ક્રમમાં તે મેરઠમાં છુપાયો હોવાની એસટીએફને માહિતી મળી હતી.દુજાના પર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હત્યા,લૂંટ,ધાડ પાડવી અને ખંડણી ઉઘરાવવા જેવા ૬૦થી વધુ ગૂનાઈત કેસ નોંધાયેલા છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશ પોલીસ સતત તેને શોધી રહી હતી.ગયા વર્ષે દિલ્હી પોલીસે દુજાના અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી.દુજાના ગૌતમબુદ્ધ નગરનો રહેવાસી છે. વર્ષ ૨૦૧૧માં તેની ગેંગે સાહિબાબાદમાં એક લગ્ન સમારંભમાં શૂટઆઉટ કર્યું હતું,જેમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા.દુજાનાને કુખ્યાત માફિયા સુંદર ભાટી અને તેની ગેંગ સાથે ઘર્ષણ ચાલતું હતું.તેના કારણે અનેક હત્યાઓ થઈ છે.વર્ષ ૨૦૧૨માં દુજાના અને તેની ગેંગે સુંદર ભાટી અને તેના સાથીઓ પર એક-૪૭ રાઈફલથી હુમલો કર્યો હતો.આ બંને ગેંગ સરકારી કોન્ટ્રાક્ટ,સળિયાની ચોરી અને ટોલના કોન્ટ્રાક્ટ અંગે મોટાભાગે આમને-સામને રહેતી હતી.