– ધર્માંતરણ સમારોહમાં ધાર્મિક મંત્રીનો દીકરો પણ હાજર હતો
– 10 હિન્દુ પરિવારના 50 સભ્યોને ઈસ્લામની રીત-રસમ શીખવવા માટે ચાર મહિનાની તાલીમ માટે મદરેસામાં રખાશે
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૦ હિન્દુ પરિવારોનું ધર્માંતરણ થયું હતું.આ ગરીબ પરિવારોને આર્થિક સહાયના નામે ધર્મ પરિવર્તન કરાવાયું હોવાનું હિન્દુસમાજના અગ્રણીઓએ કહ્યું હતું.બીજી તરફ ધર્મ પરિવર્તન કરાવનાર મદરેસાએ દાવો કર્યો હતો કે આ પરિવારો તેમની ઈચ્છાથી ઈસ્લામ ધર્મમાં આવ્યા છે.ધાર્મિક મંત્રીના દીકરાની હાજરીમાં થયેલા આ ધર્મપરિવર્તનનો હિન્દુસમાજે વિરોધ કર્યો છે.
સિંધ પ્રાંતમાં ૧૦ હિન્દુ પરિવારના ૫૦ સભ્યોએ પાકિસ્તાનના ધાર્મિક મંત્રી મુહમદ તલ્હા મેહમૂદના દીકરા મોહમ્મદ શમરોઝ ખાનની હાજરીમાં યોજાયેલા ધર્માંતરણ સમારોહમાં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. ૨૩ મહિલા અને એક વર્ષની બાળકી સહિત કુલ ૫૦ સભ્યો ચાર મહિના સુધી મદરેસામાં રહીને ઈસ્લામ ધર્મની રીત-રસમની તાલીમ મેળવશે.સમારોહમાં વારંવાર અન્ય હિન્દુઓને પણ ધર્મ પરિવર્તન કરવા અપીલ કરવામાં આવી હોવાનો દાવો હિન્દુ સમાજના અગ્રણીઓએ કર્યો હતો.
આ ધર્મપરિવર્તન બાબતે સિંધપ્રાંતના હિન્દુ સમાજે વિરોધ કરતા કહ્યું હતું કે ગરીબ પરિવારોને આર્થિક સહાયની લાલચ આપીને તેમ જ ધાકધમકી આપીને ઈસ્લામધર્મ અંગીકાર કરવાનું દબાણ થાય છે.મદરેસાના પ્રવક્તાએ આ આરોપનો બચાવ કરતા કહ્યું હતું કે બધા જ સભ્યોએ તેમની મરજીથી ધર્માંતરણ કર્યું છે.જોકે, હિન્દુસમાજના અગ્રણીઓએ આ બાબતે ચિંતા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે છેલ્લાં થોડા વર્ષોથી સિંધ પ્રાંતમાં ધર્માંતરણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.સિંધ પ્રાંતમાં જ હિન્દુઓની સૌથી વધુ વસતિ છે.સામાજિક-રાજકીય અને આર્થિક રીતે દબાણ કરીને ગરીબ હિન્દુઓને ધર્માંતરણ માટે મજબૂર કરવામાં આવે છે. ૨૦૨૧ના જુલાઈ માસમાં જ ૫૯ હિન્દુ મજૂરોનું ધર્માંતરણ કરાયું હતું.તે વખતે હિન્દુસમાજે વિરોધ નોંધાવ્યો હતો.પરંતુ પાકિસ્તાન સરકારે વિરોધને ગણકાર્યો ન હતો.સિંધ પ્રાંતમાં તો મદરેસાઓ સરકારી સહાયથી ખાસ ફેસિલિટી વિકસાવે છે,જેમાં ધર્માંતરણ પછી ચાર મહિનાની તાલીમ આપવામાં આવે છે.