પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનાર DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ

74

– વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટીંગના વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યો
– તપાસમાં વોટ્સએપ મેસેજ,વોઈસ કોલ,સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સાથેના સંપર્કનો ખુલાસો થયો

નવી દિલ્હી, તા.04 મે-2023, ગુરુવાર : મહારાષ્ટ્ર ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકની ધરપકડ કરી છે.મળતા અહેવાલો મુજબ વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટીંગના વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો.ત્યારબાદ વૈજ્ઞાનિક ડીઆરડીઓ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો.

વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓની શાખામાં કામ કરતો હતો

પાકિસ્તાની એજન્ટને માહિતી આપવાના આરોપમાં DRDOના વૈજ્ઞાનિકની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે.આતંકવાદ વિરોધી ટુકડી-ATSએ કહ્યું કે, DRDO વૈજ્ઞાનિકની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાઈ છે.આ વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓની શાખામાં કામ કરતો હતો.તપાસમાં વોટ્સએપ મેસેજ,વોઈસ કોલ,વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઓપરેટિવ્સ સાથેના સંપર્કો હોવાનો ખુલાસો થયો છે.

દેશની સુરક્ષા સાથે ચેડા

ATSએ કહ્યું કે, જવાબદાર પદ પર હોવા છતાં DRDO અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો છે.તેમણે સંવેદનશીલ સરકારી માહિતી લીક કરીને પોતાની જવાબદારીઓ અને દેશની સુરક્ષા સાથે ચેડા કરી છે.જો આવી માહિતી દુશ્મન દેશના હાથમાં આવી જાય તો તે ભારતની સુરક્ષા માટે ખતરો બની શકે છે.મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ કાલાચોકી મુંબઈએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ-1923ની કલમ 1923 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.તપાસનીશ અધિકારી વધુ તપાસ કરી રહ્યા છે.

Share Now