બજરંગ દળની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, જાણો શું છે તેની વિચારધારા? કોંગ્રેસે લગાવ્યો હતો પ્રતિબંધ

106

બજરંગ દળની સ્થાપના ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબર 1984માં થઈ હતી અને તે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ છે.વિનય કટિયારને બજરંગ દળના સંસ્થાપક માનવામાં આવે છે.
કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસએ પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે.ત્યારબાદ રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.નોંધનીય છે કે કોંગ્રેસે મંગળવારે જારી પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળની તુલના પોપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠનો સાથે કરી અને તેના પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.ભાજપે બજરંગ દળના બહાને બજરંગબલીનો મુદ્દો મળી ગયો છે અને પાર્ટીએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી લીધો છે.પરંતુ શું તમે જાણો છો બજરંગ દળ શું છે અને તેની શરૂઆત કઈ રીતે થઈ હતી.

1984 માં થઈ હતી બજરંગ દળની સ્થાપના

બજરંગ દળની સ્થાપના ઑક્ટોબર 1984માં ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી હતી અને તે વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ છે.વિનય કટિયારને બજરંગ દળના સ્થાપક માનવામાં આવે છે, જેઓ લોકસભા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.બજરંગ દળની સ્થાપના રામ-જાનકી રથયાત્રાને સુરક્ષા આપવા માટે કરવામાં આવી હતી.

શું છે બજરંગ દળનો હેતુ?

હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારાના આધારે સ્થાપિત બજરંગ દળનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુ સમાજનું જતન અને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવાનો હતો.બજરંગ દળ અવારનવાર હિંદુ ધર્મ અને હિંદુ સમુદાયના ઉદ્ધાર માટે સંઘર્ષ સાથે સંબંધિત મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરે છે.બજરંગ દળનું સૂત્ર ‘સેવા, સુરક્ષા અને સંસ્કૃતિ’ છે.બજરંગ દળના મુખ્ય ઉદ્દેશ્યોમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ,મથુરા કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પરિસરનું વિસ્તરણ સામેલ છે.

બજરંગબલી સાથે શું છે કનેક્શન?

બજરંગદળનું નામ બજરંગબલીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.આ જ કારણ છે કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો ત્યારથી કર્ણાટકની રાજનીતિ બજરંગબલીની આસપાસ ઘૂમી રહી છે.ભાજપે હવે કર્ણાટકમાં બજરંગ દળ પરના પ્રતિબંધને બજરંગબલીના અપમાન સાથે જોડી દીધો છે.ભાજપ દરેક સ્તરે બજરંગ દળ પર પ્રતિબંધનો મુદ્દો ઉઠાવી રહી છે.પછી તે પીએમ મોદી હોય કે પાર્ટીના સામાન્ય કાર્યકર,ભાજપે બજરંગબલીને પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવ્યો છે.

વર્ષ 1992માં બજરંગ દળ પર લગાવ્યો હતો પ્રતિબંધ

કોંગ્રેસે હવે કર્ણાટકમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો વાયદો કર્યો છે,પરંતુ તેના 31 વર્ષ પહેલા કોંગ્રેસે તેના પર એક વખત પ્રતિબંધ લગાવી દીધો છે. 6 ડિસેમ્બર, 1992 ના રોજ, જ્યારે ટોળાએ અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી,ત્યારે કોંગ્રેસની નરસિંહ રાવ સરકાર દ્વારા બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ),વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી), ઇસ્લામિક સેવક સંઘ અને જમાત- ઈ-ઈસ્લામી હિંદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.પરંતુ પ્રતિબંધના છ મહિનામાં જ Unlawful Activities (Prevention) ટ્રિબ્યૂનલે બજરંગ દળ પર પ્રતિબંધ હટાવી લીધો હતો.

Share Now