– 40 અધિકારીઓની ટીમ 3 બિલ્ડરો પર ત્રાટકી
મુંબઇ : નાશિકમાં બિલ્ડરો પર ત્રાટક્યા બાદ ઇન્કમટેક્સ વિભાગે હવે પુણે તરફ નજર દોડાવી છે.પુણેના ત્રણ બિલ્ડરો પર આઇટી વિભાગ તરફથી છાપા મારવામાં આવ્યા હતા. આઇટી વિભાગના ૪૦ અધિકારીઓ આજે વહેલી સવારથી પુણેના આ ત્રણ બિલ્ડરોની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને કાર્યવાહી આરંભી હતી.
આઇટી અધિકારીઓએ કાર્યવાહી દરમિયાન અમૂક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.આ કાર્યવાહી પાષાણ વિસ્તારની સિંધ સોસાયટી અને પિંપરી- ચિંચવડમાં કરવામાં આવી હતી.
પુણેના આઇટી વિભાગ તરફથી સિંધ સોસાયટી,પિંપરી-ચિંચવળ સહિત શહેરના અન્ય વિસ્તારમાં પણ છાપા મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે આ સંદર્ભે આઇટી વિભાગ તરફથી કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી.આઇટી વિભાગના સૂત્રોનુસાર આ બિલ્ડરોના આર્થિક વહેવાર અને ટેક્સચોરીની તપાસ આદરવામાં આવી છે.આ ઉપરાંત અમૂક મહત્વના દસ્તાવેજ અને ફાઇલોની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં છેલ્લા થોડા મહિનાઓમાં ઇન્કમટેક્સની કાર્યવાહી વધી છે અને વિવિધ સ્થળે છાપામારી કરવામાં આવી રહી છે.થોડા સમય પહેલા ૨૦ એપ્રિલના રોજ આઇટી વિભાગે નાશિકમાં એક જ સમયે ૨૦થી વધુ બિલ્ડરોના ઘર,ઓફિસ,ફાર્મહાઉસ પર છાપા માર્યા હતા જેમાં નાશિકના સાત અગ્રણી બિલ્ડરોનો પણ સમાવેશ થતો હતો. છાપામારીથી આ કાર્યવાહીમાં મુંબઇ,પુણે,નાશિક,ઔરંગાબાદના આઇટી વિભાગના અધિકારીઓ કાર્યવાહીમાં ભાગ લે છે.