HM EXCLUSIVE : સુરત જિ.ભાજપ સંગઠનના નવા પ્રમુખપદે બિરાજવા ભાજપમાં લોબિંગ પૂરજોશમાં

162

– ગત 30 એપ્રિલે સુધીમાં હાલના જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈ લગભગ અઢી વર્ષનો સમય પૂર્ણ કરી ચુક્યા છે ત્યારે નજીકના સમયમાં નવા પ્રમુખ વરાશે
– જિલ્લા ભાજપ સંગઠનમાં નવા પ્રમુખ તરીકે ચલથાણ સુગરના કેતન પટેલનું નામ મોખરે છે પરંતુ પક્ષમાં વિરોધ થઇ રહ્યો છે
– ધારાસભ્ય સંદીપ દેસાઈ એપીએમસી સહીત અન્ય ઘણા સહકારી ક્ષત્રોમાં પકડ બનાવી ચુક્યા છે જેથી જિલ્લા ભાજપ પ્રમુખપદનો ચાર્જ છોડી શકે

સુરત,તા.05 મે 2023,શુક્રવાર : ( એડિટર : જિગર વ્યાસ ) : સુરત જિલ્લા પ્રમુખની ટર્મ લગભગ લગભગ અઢી વર્ષ સુધીનો સમયગાળો વટાવી ચુકી છે.ભારતીય જનતા પાર્ટીના પ્રોટોકોલ મુજબ દર ત્રણ વર્ષે નવા હોદ્દદારોને નિમવામાં આવતા હોય છે.જે અંતર્ગત હવે જિલ્લા સંગઠનમાં મોટા ફેરફારો થવાની શક્યતા જણાઈ રહી છે.આ અંગે વધુમાં વધુ આવતા સપ્તાહ સુધી મંજૂરીની મહોર લાગી શકે એવી શક્યતા હોવા અંગે જાણવા મળ્યું છે.નવી ટર્મ માટે નવા પ્રમુખની વરણી થવાની હોય ભાજપમાં બેઠકનો દોર શરૂ થઇ ગયો છે.સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં નવા હોદ્દેદારો નિમવા ખાસ કરીને પ્રમુખની નિમણુંકને લઇ ભાજપમાં બેઠકનો દોર ચાલુ થઇ ગયો છે.સુરત જિલ્લા ભાજપ સંગઠનનાના કેટલાક ઉમેદવારોએ આ માટે લોબિંગ પણ ચાલુ કરી દીધુ છે.ગત ટર્મમાં પાર્ટીએ પ્રમુખ તરીકે સંદીપ દેસાઈને નિમ્યા હતા જેમનો કાર્યકાળ લગભગ સમાપ્તિના આરે છે.તે પહેલા પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોને બદલવામાં આવ્યા છે તે જોતા હવે સંદીપ દેસાઈને ચાર્જ છોડવાનો આદેશ આવી શકે છે અને તેમના સ્થાને નવા પ્રમુખની વરણી કરવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હોવાના અહેવાલ છે.ગતરોજ એપીએમસીના પ્રમુખપદે સંદીપ દેસાઈની વરણી થઇ ચુકી છે.આમ હવે ધારાસભ્ય સહીત સંદીપ દેસાઈને વધુ એક સહકારી સંસ્થાનો કારભાર સોંપતા જિલ્લા પ્રમુખ તરીકે અન્ય કોઈ હોદ્દેદારને બઢતી મળે એવી શક્યતા છે.

બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પદે કોણ બિરાજશે જેને લઇ પુરજોશમાં લોબિંગ ચાલી રહ્યું છે.જેમાં હાલના જિલ્લા પંચાયતના ભાવેશ પટેલ (બાબેન),ચલથાણ સુગરના કેતન પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.જેથી આગામી જિલ્લા પ્રમુખ કોણ બનશે તે અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચાર થી પાંચ ભાજપ સંગઠનના સહકારી આગેવાનો પ્રમુખ બનવાની રેસમાં છે પરંતુ આ બધામાંથી કોણ અધ્યક્ષ બનશે તેની ચર્ચા ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા મુજબ કેતન પટેલનું નામ નિશ્ચિત મનાય રહ્યું છે પણ તેને લઇ ભાજપના સંગઠનમાં વિરોધ વધી રહ્યો છે.કેતન પટેલ અગાઉ ઘણા વિવાદોમાં આવી ચુક્યા છે અને ખુદ જિલ્લા ભાજપના મોભીઓ પણ નથી ઇચ્છતા કે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખપદે બિરાજે પરંતુ રાજકીય ચર્ચા એવી છે કે સંદીપ દેસાઈ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના નિકટવર્તી અને તેમના જૂથના છે એવી જ રીતે ચલથાણ સુગરના કેતન પટેલ અને સંદીપ દેસાઈ વચ્ચે પણ ટર્મ ખુબ જ સારી છે.જેના કારણે આગામી દિવસોમાં પ્રદેશ કક્ષાએ જે નિર્ણય લેવાઈ તેમાં લગભગ કેતન પટેલ મોખરે છે.જયારે ભાવેશ પટેલ ( બાબેન ) માટે એવી ચર્ચા છે કે તેઓ હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ફિટ બેસે છે તેથી જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે તેમની વરણી થવાની શક્યતા નહિવત છે.અન્ય નામોમાં મહામંત્રી તરીકે કારભાર સંભાળી રહેલાં યોગેશ પટેલ અને ચુંટણી વેળા કામચલાઉ ચાર્જ સંભાળનારા અન્ય મહામંત્રી જગદીશ પારેખનું નામ પણ ચર્ચામાં છે.પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે લોબિંગ ગમે તે પ્રકારે ચાલતું હોય આખરી નિર્ણય પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ લેશે જેમાં લગભગ ઔપચારિકતા જ બાકી છે અને ચલથાણ સુગરના કેતન પટેલની જિલ્લા ભાજપ સંગઠનના નવા પ્રમુખ તરીકે તાજપોશી થઇ ચુકી છે.

પ્રમુખપદનો હોદ્દો હંમેશા સતત વિવાદોમાં રહે છે..

સુરત જિલ્લા પ્રમુખ પદે જે પણ અત્યાર સુધી આવ્યાં છે તે વિવાદમાં રહ્યાં છે.અગાઉ જિલ્લા ભાજપમાં પણ બે જૂથો સક્રિય હતા પરંતુ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખ બન્યા પછી સંદીપ દેસાઈને જિલ્લા ભાજપ પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેને લઇ એક આખું વિરોધી જૂથ સાઈડલાઈન થઇ જવા પામ્યું છે.જેના કારણે આંતરિક વિખવાદ અને વિવાદ પણ વધ્યો હતો પરંતુ ગત ચુંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક બહુમતી મેળવી હતી જેનો સંપૂર્ણ શ્રેય પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને મળ્યો હતો.જેના કારણે પક્ષવિરોધી કાર્ય કરતા રમન જાની સહીત ભાજપના ટોચના મોભીઓ પણ શાંત થઇ ચુક્યા છે.જિલ્લાના પૂર્વ પ્રમુખ સહિતના ડઝન કરતા વધુ હોદેદારો સહકાર ભાવે કામ કરી રહ્યા છે.અઢી વર્ષના પ્રથમ કાર્યકાળ સુધી ચાર્જ સંદીપ દેસાઈ પાસે રહ્યો છે અને હવે ધારાસભ્ય સહીત અનેક જવાબદારી સંભાળી રહ્યા હોય ટૂંકમાં તેમના સ્થાને નવા પ્રમુખ ચાર્જ લેશે.ચુંટણી બાદ ભાજપે કામચલાઉ મહામંત્રી જગદીશ પારેખને જે ચાર્જ સોંપ્યો હતો તે યથાવત રહે એવું જોવાઈ રહ્યું હતું પરંતુ કેમ રાજીનામું લેવાયું જેનું હજુ સુઘી રહસ્ય અકબંધ છે.હવે ટૂંક સમયમાં નવા પ્રમુખ તરીકે કેતન પટેલને ચાર્જ સોંપાઈ એવી શક્યતા છે.આમ પણ ભાજપ છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢે એવો ઘાટ સર્જી દેતી હોય છે અને ખુદ પક્ષના હોદ્દેદારો અને પ્રજાને ચોંકવનારા નિર્ણયો લેતી હોય છે તેવામાં આખરી દારોમદાર અને કોણ પ્રમુખ બનશે તે અંગેનું સસપેંશ પક્ષ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ નક્કી કરશે ત્યારે જોવું રહ્યું કે, વિરોધના વંટોળમાં અટવાયેલાં કેતન પટેલને પ્રમુખપદનો તાજ પહેરાવાશે કે અન્ય કોઈને.

Share Now