દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયો

87

ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર પારેખને રૂ. 1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે.દાહોદમાં ડીપીઈઓ કચેરી પરિસરમાં જ છટકું ગોઠવીને ફરિયાદના આધારે એસીબીએ આ કાર્યવાહી કરી હતી.રવિવારની રજા હોવા છતાં આરોપી લાંચની રકમ સ્વીકારવા ઓફિસે પહોંચ્યો હતો.મયુર પારેખને સરકાર દ્વારા દાહોદ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી (ઉ.મા)નો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો.

ફરિયાદી શિક્ષક વતી એસીબીએ ઈન્ચાર્જ ડીપીઈઓ મયુર પારેખ સામે ફરિયાદ કરી છે.એસીબીના જણાવ્યા અનુસાર ફરિયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમમાં કામ કરતો હતો.તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની આફવા પ્રાથમિક શાળામાં પોતાની બદલી કરાવવા માંગતો હતો જેના માટે તેણે અરજી કરી હતી.આ અરજીના આધારે 29 ઓક્ટોબર 2022ના રોજ તેમની બદલી આફવા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.તેમનો પત્ર પણ આવી ગયો હતો.આરોપ છે કે ઈન્ચાર્જ ડીપીઈઓ પારેખે તેમની પાસેથી ટ્રાન્સફરના કામ માટે પહેલા 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી,ત્યારબાદ તેઓ વાટાઘાટો પર 4 લાખ રૂપિયા લેવા માટે રાજી થયા હતા.જે અંતર્ગત ફરિયાદી શિક્ષક દ્વારા તેમને બે લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.

બાકીના બે લાખ રૂપિયા માટે તે શિક્ષક પાસે રોજેરોજ ઉઘરાણી કરતો હતો.શિક્ષક બાકીની રકમ ઈન્ચાર્જ ડીપીઈઓને આપવા માંગતા ન હતા.જેના કારણે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી.આ ફરિયાદના આધારે પંચમહાલ ગોધરા એસીબી શાખાના મદદનીશ નિયામક બી.એમ.પટેલની દેખરેખ હેઠળ ગોધરા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી.ધોરડા અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું.જે અંતર્ગત ઈન્ચાર્જ ડીપીઈઓ મયુર પારેખ રવિવારે દાહોદ ડીપીઈઓ કચેરીના પ્રાંગણમાં જ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા.એસીબીએ તેની સામે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now