સુરતથી એવા સમાચાર સામે આવ્યા છે જે સમોસા ખાવાના શોખીનોને આંચકો આપી શકે છે.કારણ કે સુરત ગ્રામ્ય પોલીસે સમોસાની અંદર ગૌમાંસ ભરીને લઈ જતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.સમોસામાં ગૌ માસ ભરવાનો આ કિસ્સો કદાચ દેશનો પહેલો કિસ્સો હશે.
સુરત ગ્રામ્ય પોલીસના DySP બી.કે બનારે જણાવ્યું હતું કે, 2 દિવસ પહેલા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેની ઓટો-રિક્ષામાં ગૌમાંસ ભરીને માંગરોળ પોલીસ હેઠળની મોસલ ચોકડી પાસેથી પસાર થવાનો છે.આ માહિતીના આધારે માંગરોળ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરે ત્યાંથી પસાર થતી એક ઓટો રિક્ષાને અટકાવી તેમાં રાખવામાં આવેલા સમોસાની તપાસ કરી હતી.ઓટો રિક્ષામાં રાખેલા 45 નંગ સમોસાની અંદર માત્ર માંસ મળ્યું હતું.પરંતુ આ માંસ કયા પ્રાણીનું છે? પ્રથમ દૃષ્ટિએ તે જાણી શકાયું નહોતું.જેથી પોલીસે રિક્ષા ડિટેઈન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને સમોસાની અંદરના માંસની તપાસ કરવા એફએસએલ ટીમની મદદ લીધી હતી. 2 દિવસ પછી એફએસએલ રિપોર્ટ આવ્યા જે બાદ કહેવામાં આવ્યું કે સમોસાની અંદર ભરેલું માંસ ગાયનું હોવાનું સામે આવ્યું છે.
આ વાતને સમર્થન આપતાં માંગરોળ પોલીસ સ્ટેશને સમોસાની અંદર ગૌમાંસ ભરીને લઈ જતા ઈસ્માઈલ યુસુફ જીભાઈ સામે પશુ સંરક્ષણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ગૌમાંસ ભરેલા સમોસા તેને કોણે આપ્યા હતા અને તે ક્યાંથી લાવ્યો તે વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.ડીવાયએસપી વી.કે.બ્રારે જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી ઈસ્માઈલ સામે માંગરોળ પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણની કલમો હેઠળ નોંધાયેલ છે.તે અન્ય ત્રણ ગુનામાં પણ વોન્ટેડ હતો.જેમાં તેની ધરપકડની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
વોન્ટેડ ઈસ્માઈલની ધરપકડ બાદ તેના સાથી સુલેમાન અને સાયમન વસાવાને વોન્ટેડ જાહેર કરાયા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપી ઈસ્માઈલ વિરુધ માંગરોળ પોલીસ મથકે અનેક ગુના નોધાયેલા છે જેમાં તે વોન્ટેડ હતો.આટલું જ નહીં, ઈસ્માઈલ અનેક વાર ગૌહત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે.માંગરોળ પોલીસે ઈસ્માઈલની ધરપકડ બાદ તેના સહયોગી સુલેમાન ઉર્ફે સલ્લુ અને સાયમન વસાવા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.હાલ પોલીસે ધારાધોરણ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.જયારે ઈસ્માઈલને કોર્ટમાં રજુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
માંગરોળના કોસાડીથી ગૌમાંસ ભરેલા સમોસા ઝડપાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફને ઝડપી લીધો હતો.પોલીસને શંકા જતા ઝડપાયેલા સમોસા FSLમાં મોકલવામાં આવ્યાં હતા.બાદમાં આ સમોસામાં ગૌમાંસ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5, 6, 8 તથા ગુજરાત પશુ રક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(ક),(ખ) મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરતનો ગ્રામ્ય વિસ્તાર ગૌહત્યા માટે કુખ્યાત બનતો જઈ રહ્યો છે.તેમાં ખાસ કરીને કીમ નદીના કાંઠે સહુથી વધુ ગૌહત્યા કરવામાં આવતી હોવાનું અહેવાલોમાં કહેવામાં આવ્યું છે.પોલીસ દ્વારા અનેક પશુઓને જીવિત બચાવાયા હોવા છતાં ગૌહત્યાના રીઢા ગુનેગારો જેલમાંથી છૂટતાની સાથે જ ગૌહત્યાનો ગોરખ ધંધો ફરી શરુ કરી દે છે.તેવામાં માંગરોળના ઈસ્માઈલ પાસે ગૌમાંસ ભરેલા સમોસા મળી આવવાના અહેવાલો સામે આવ્યાં બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.