વડોદરાના વકીલનો પરિવાર પોતાની કારમાં રાજસ્થાનનો પ્રવાસ કરી પરત ફરી રહ્યા હતા.ત્યારે મહીસાગર જિલ્લા બાબલીયા ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતી ઇનોવાએ અકસ્માત સર્જતા પરિવારના લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તેમજ કારને નુકસાન થયું હતું.પુરઝડપે કાર હંકારનાર નશામાં ધૂત વાહન ચાલકે પોતે ટીડીઓ હોવાનો રૂઆબ બતાવી ફરીયાદી અને પરિવારને ધમકાવ્યો હતો.જોકે નશામાં ઊભા રહેવાનો હોશ ગુમાવી ચૂકેલા આ સરકારી બાબુ વિરૂદ્ધ ફરીયાદીએ ફરિયાદ નોંધાવતા બાકોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
TDO દારૂ પીને કાર હંકારતા અકસ્માત સર્જ્યો
નશામાં ધૂત સરકારી કર્મચારી આરોપી ભુપેન્દ્રભાઇ ધુળાભાઇ સોલંકી બનાસકાંઠાના પાલનપુરમાં IITની સામે રહેતા હોવાની વિગતો મળી રહી છે.જે પોતાની ઈનોવા ગાડીને બેફીકરાઇ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકારી રહ્યા હતા.પોતે સરકારી કર્મચારી હોવા છતા દારૂ પીને વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો.
વડોદરાના વકીલની કારને 2 લાખનું નુકસાન
જેમાં વડોદરા ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરતા નેહલભાઈ દવેની MG હેકટર ગાડીને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો.જેમાં ફરિયાદી વકીલ તથા તેમના પરિવારના અન્ય સભ્યોને કમરના ભાગે મુઢ માર વાગતા ઇજા પહોંચી હતી. સાથે જ કારને પણ અંદાજે 2 લાખનું નુકસાન પહોંચ્યું હતું.અકસ્માત સર્જીને TDO હોવાનો રૂઆબ બતાવનારા અધિકારી સામે આખરે તેમણે બાકોર પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.