– પોલીસે માનવીય અભિગમ દાખવી ચોરને લગ્ન બાદ હાજર થવા જણાવ્યું
– ચોરે 2017માં રૂ.1,50 લાખથી વધુ કિંમતના મોબાઈલ ફોન ચોરી કર્યા હતા
કહેવાય છે કે, કરેલા કર્મ આજ જન્મમાં ભોગવવા પડે છે.આવું જ કંઈક સુરતમાં ચોરી કરનારા મહારાષ્ટ્રના ચોર સાથે થયું હોવાનું સામે આવ્યું છે. 2017માં ચોરી કરીને ભાગેલો ચોર ચોરી કર્યા બાદ બધું ભૂલીને પોતાનું લગ્ન જીવન શરૂ કરવા જઈ રહ્યો હતો.જો કે, વરઘોડો નીકળવાની તૈયારી જ હતી. અને સુરત પોલીસ જાન લઈને ઘરે પહોંચી હતી.
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,સચિન રેલવે સ્ટેશન વિસ્તારની દુકાનમાં જાન્યુઆરી 2017માં તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી રૂ.1,50 લાખથી વધુ કિંમતના જુદી-જુદી કંપનીના મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં જે તે વખતે પોલીસે ત્રણ ચોરને ઝડપી પાડ્યા હતા.જોકે, આ ગુનામાં સામેલ એક આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે ચંદન અનિલ વિશ્વકર્મા(રહે, થાણે,મહારાષ્ટ્ર) ફરાર થઈ ગયો હોવાથી છેલ્લા કેટલાક સમયથી સુરત પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
આ દરમિયાન સુરત પોલીને આરોપી બ્રિજેશકુમાર ઉર્ફે ચંદન તેના વતન ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના ભુલઈપુર ગામ ખાતે હોવાની બાતમી મળી હતી.જેને આધારે સુરત એલસીબી ઝોન 4ની ટીમના એએઆઈ રોહીત યોગેશ અને હેડ કોનસ્ટેબલ કાનજી ભુથભાઈને મળી હતી.જેથી પાંડેસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એન.રાઠોડના નેતૃત્વમાં પોલીસની ટીમે ઉત્તરપ્રદેશના ભુલઈપુર પહોંચી હતી.
પોલીસની ટીમ બ્રિજેશકુમાર ઉર્ફે ચંદનના ઘરે પહોંચી ત્યારે ત્યાં લગ્નનો માહોલ હતો અને વરઘોડાની તૈયારી ચાલી રરહી હતી.જો કે, પોલીસ વરઘોડામાં જવાની તૈયારી કરી રહેલા મહેમાનોની પૂછપરછ કરતા પોલીસ જે ચોરને પકડવા ગઈ હતી.તે બ્રિજેશકુમાર ઉર્ફે ચંદનના લગ્ન હતા.અને તેની જાન નીકળવાની તૈયારી કરાઈ રહી હોવાની જાણ થઈ હતી.જેથી લગ્નપ્રસંગ ન બગડે તે માટે પોલીસે માનવીય અભિગમ દાખવી ચોર એવા વરરાજા બ્રિજેશકુમાર ઉર્ફે ચંદન અને તેના પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી લગ્ન બાદ બ્રિજેશને સ્વેચ્છાએ સુરત પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.જે બાદ લગ્નની તમામ વિધીઓ સંપન્ન કર્યા બાદ બ્રિજેશ પોલીસ સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.