યશવર્ધન બિરલાને વિદેશ જવા દેવા બોમ્બે હાઈકોર્ટની મંજૂરી

74

– બિરલા છેંતરપિંડી,મની લોન્ડરિંગના કેસમાં આરોપી
– લૂક આઉટ સરક્યુલર રદ કરાયો,માત્ર યુકે અને ઈજિપ્તની જ મુલાકાત લઈ શકશે

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે છેંતરપિંડી તથા મની લોન્ડરિંગના અનેક કેસોમાં આરોપી ઉદ્યોગપતિ યશોવર્ધન બિરવાને વિદેશ જવાની પરવાનગી આપી છે બિરલા વિદેશમાં ફરાર થઈ જાય તેવી સંભાવના જણાતી નથી તેવું નોંધીને અદાલત દ્વારા તેમને તા. પહેલી જુલાઈ સુધી યુકે તથા ઇજિપ્ત જવાની મંજૂરી આપવામાં આવી છે.

જસ્ટીસ અભય આહુજા તથા જસ્ટિસ મિલિંદ સાથ્યેની એક વેકેશન બેન્ચે બિરલા સામે જારી કરાયેલો લૂક આઉટ સરક્યુલર તા. પહેલી જુલાઈ સુધી રદ કર્યો હતો અને ઈમીગ્રેશન ઓથોરિટીઝને તેમને ઈમીગ્રેશનમાંથી પસાર થવા દેવા અને ફલાઈટમાં ચઢવા દેવા જણાવ્યું હતું.અદાલતે બિરલાને માત્ર ઈજિપ્ત અને યુકે જવાની જ પરવાનગી આપી છે.અદાલતે નોંધ્યું હતું કે બિરલા આ અગાઉ ઘણી વખત વિદેશ જઈ પાછા ફર્યા છે અને તેમણે તેમના પર લદાયેલી તમામ શરતોનો અમલ કર્યો છે.

આ તબક્કે એવું જણાતું નથી કે અરજદારને ફલાઈટ બોર્ડ કરવા દેવમાં કોઈ જોખમ હોય.તેઓ વિદેશમાં ભાગી છૂટે એમ પણ જણાતું નથી.તેમના પરિવારજનો પણ ભારતમાં જ રહે છે એમ અદાલતે જણાવ્યું હતું. તેઓ અદાલત કે કોઈ ઓથોરિટી સમક્ષ ગેરહાજર રહે તેવું પણ લાગતું નથી એમ અદાલતે કહ્યું હતું.અદાલતે આદેશમાં જણાવ્યું હતું કે બિરલાને માત્ર યુકે તથા ઈજિપ્ત જવાની જ પરવાનગી આપવામાં આવે છે.તેમણે તા. પહેલી જુલાઈ સુધીમાં ભારત પાછા આવી જવાનું રહેશે.બિરલાનાં સંતાનો ભારતમાં જ રહેશે અને તેમની સાથે વિદેશ પ્રવાસ ખેડશે નહીં તેવી તેમના વતી અપાયેલી બાંહેધરીનો પણ અદાલતે સ્વીકાર કર્યો હતો.

બિરલાના એડવોકેટે અદાલતને જણાવ્યું હતું કે યશ બિરલા એક ઉદ્યોગપતિ છે અને તેમને તેમના બિઝનેસનાં વિસ્તરણ તથા આનંદપ્રમોદ એમ બંને હેતુ માટે વિદેશ જવાની જરૃર હોય છે.બિરલા પર પ્રિવેન્શનલ ઓફ મની લોન્ડરિંગ એક્ટ તથા મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ( ઈન ફાયનાન્સિઅલ એસ્ટાબ્લીશમેન્ટ) એક્ટ હેઠલના અનેક આરોપો લાગ્યા છે.બિરલાની માલિકીની કંપનીઓ સામે કંપની એક્ટ હેઠળ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ દ્વારા પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.

સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસે બિરલાની અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેઓ વગદાર વ્યક્તિ છે અને તેઓ ફલાઈટમાં બેસીને જતા રહે તથા પાછા ન આવે તેવું જોખમ છે.તેમણે દલીલ કરી હતી કે બિરલાએ હવે તપાસમાં સહકાર આપવાનું પણ બંધ કરી દીધું છે.

Share Now