ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર, મસ્જિદના ગૂંબજ અને મિનારા તોડવા ગયેલી પોલીસ સામે હજારો મુસ્લિમો રસ્તા પર ઉતર્યા

73

બિજિંગ,તા. 31 મે 2023, બુધવાર : કાશ્મીર મુદ્દે છાશવારે ભારતની ટીકા કરનારા ઈસ્લામિક દેશોમાં હિંમત નથી કે ચીન દ્વારા લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમો પર થતા અત્યાચાર સામે હરફ પણ ઉચ્ચારે.

ચીનમાં મુસ્લિમો પર જિનપિંગની સરકારનો દમનનો સીલસીલો ચાલુ જ છે.દક્ષિણ પશ્ચિમ ચીનમાં અધિકારીઓ દ્વારા એક મસ્જિદનો ગુંબજ તેમજ મીનારોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક મુસ્લિમ સમુદાયે તેનો વિરોધ કર્યો હતો અને મસ્જિદને બચાવવા માટે હજારો મુસ્લિમો મસ્જિદની ફરતે ઘેરો નાંખીને ઉભા રહી ગયા હતા.આ ઘટના યુનાન પ્રાંતના એક ગામમાં બની હતી.ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ધર્મને પણ ચાઈનિઝ રુપરંગ આપવા માંગે છે અને તે માટે સરકાર આ પ્રકારના પ્રયાસો કરતી હોય છે.

સ્થાનિક સમુદાયનુ કહેવુ હતુ કે, ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 1000થી વધારે મસ્જિદો પરની ઈસ્લામિક વાસ્તુકળાને હટાલી દેવામાં આવી છે.ગુંબજો તોડી નાંખવામાં આવ્યા છે.આ મસ્જિદ પણ તંત્રના ટાર્ગેટ પર હતી.જે વિસ્તારમાં આ મસ્જિદ છે તે નજિયાયિંગ વિસ્તાર ઈસ્લામિક સંસ્કૃતિનુ એક મહત્વનુ કેન્દ્ર છે અને હવે તેનુ ચીનીકરણ કરવા માટે સરકાર અભિયાન ચલાવી રહી છે.

સોશિયલ મીડિયા પરની એક વિડિયો ક્લીપમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોઈ શકાય છે.પોલીસ પર લોકોએ ઈંટો અને પાણીની બોટલો પણ ફેંકી હતી.પોલીસે તેમને મસ્જિદ સામેથી હટાવવા માટે બળપ્રયોગ કર્યો હતો.અહીંયા 1000થી વધારે પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા.એ પછી સંખ્યાબંધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Share Now