વડોદરા, તા. 08 જૂન 2023, ગુરૂવાર : વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન વર્ષો બાદ બદલાતા સહકારી ક્ષેત્રે ચકચાર વ્યાપી છે.વડોદરા જિલ્લાના સહકારી વિભાગમાં મહત્વનું સ્થાન ધરાવતી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા સહકારી બેંકો અને સહકારી મંડળીઓને ધિરાણ આપવામાં આવતું હોય છે.ભાજપની સ્પષ્ટ બહુમતી વાળી બેંકના ત્રણ ટર્મથી ચૂંટાતા ચેરમેન અતુલ પટેલ અને વાઇસ ચેરમેન અજીત પટેલની આ વખતની પાંચ વર્ષની ટર્મમાંથી અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે આજે ચૂંટણી યોજાઈ હતી.
ભાજપે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ચાલુ કરી હોવાથી આજે પ્રદેશના પ્રતિનિધિએ મેન્ડેટ આપ્યો ત્યારે બંને હોદ્દેદારોની જગ્યાએ નવા હોદ્દેદારોના નામો જાહેર થયા હતા.જેમાં પ્રમુખ પદે સાવલી એપીએમસીના ડિરેક્ટર રાજુભાઈ પટેલ ઉર્ફે રાજુ ખાખરીયા અને વાઇસ ચેરમેન તરીકે બોડેલી એપીએમસીના ડિરેક્ટર શિવરાજ સિંહ ઉર્ફે શિવુ મહારાઉલના નામ મુકાયા હતા.
આમ, બરોડા સેન્ટ્રલ બેન્ક ને મોટી ખોટમાંથી બહાર લાવી નફો કરતી સંસ્થા કરવાનો શ્રેય મેળવનાર બંને હોદ્દેદારો બદલાતા સહકારી ક્ષેત્રે ચકચાર વ્યાપી હતી.