– 2008ની બેચના આઇઆરએસ અધિકારી સચિન સાવંતની ધરપકડ
– તેઓ હાલમાં લખનઉમાં કસ્ટમ અને જીએસટી વિભાગમાં કાર્યરત : તેઓ 2018થી 2019ની વચ્ચે મુંબઇની ઇડી ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર હતાં
– આવકથી વધુ સંપત્તિના કેસમાં સીબીઆઇએ 2022માં એફઆઇઆર કરી હતી : ડાયમંડ કંપનીની 500 કરોડની ફેરાફેરીના શંકાસ્પદોમાં નામ ઉછળ્યું હતું
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના લખનઉ સ્થિત ઘરે બુધવારે દરોડા પાડયા હતાં.તેમના એપાર્ટમેન્ટમાંથી ઇડીની ટીમે અનેક દસ્તાવેજ,બેંક ખાતાથી સંકળાયેલ વિગત અને ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ જપ્ત કરવામાં આવ્યા છે.ઇડીની ટીમ સાવંતની ધરપકડ કરી તેમને મુંબઇ લઇ ગયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.આઇઆરએસ અધિકારી સચિન સાવંત હાલમાં લખનઉમાં જ તૈનાત છે.તે કસ્ટમ અને જીએસટી વિભાગમાં કાર્યરત છે.સાવંત ઘણા સમયથી ઇડીની રડારમાં હતાં.જ્યારે મુંબઇમાં ઇડીમાં હતાં ત્યારે ડાયમંડ કંપનીની ૫૦૦ કરોડ રૂપિયાની હેરાફેરીમાં શંકાસ્પદ તરીકે તેમનું નામ સપાટી પર આવ્યું હતું.સાવંતની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો થઇ હતી.આ જ સંદર્ભમાં ઇડીની ટીમ મુંબઇથી લખનઉ પહોંચી હતી.ઇડીની ટીમે શાલીમાર વન વર્લ્ડ સ્થિત સાવંતના ઘરે દરોડા પાડયા હતાં.મોડી રાત સુધી ચાલેલી તપાસમાં ઇડીની ટીમે અનેક દસ્તાવેજ પોતાના કબજામાં લીધા હતાં.આ સાથે જ બેંક સાથે સંકળાયેલી વિગતો પણ જપ્ત કરવામાં આવી હતી.ઇડી સાવંતના ઘરેથી જપ્ત કરેલ તમામ વસ્તુઓ પોતાની સાથે લઇ ગઇ હતી.ઇડીની ટીમ સાવંતની ધરપકડ કરી મુંબઇ માટે રવાના થઇ ગઇ હતી.ઇડીની ટીમ તેમના મુંબઇ સ્થિત રહેઠાણમાં પણ દરોડા પાડયા હતાં.તેઓ ૨૦૦૮ની બેન્ચના આઇઆરએસ અધિકારી છે.તેઓ કસ્ટમ્સ અને જીએસટીમાં એડિશનલ કમિશનર તરીકે કાર્યરત છે.આવકથી વધુ સંપત્તિના કેસ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગની તપાસમાં ઇડીએ તેમના ઘરે દરોડા પાડયા હતાં.તેમની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.તેઓ ૨૦૧૮ અને ૨૦૧૯ની વચ્ચે ઇડીની મુંબઇ ઓફિસમાં હતાં.અયોગ્ય સંપત્તિ રાખવા બદલ સીબાીઆઇએ જૂન, ૨૦૨૨માં એફઆઇઆર દાખલ કરી હતી.