તેલ અવીવ,તા.01 જૂલાઈ 2023,શનિવાર : દુશ્મોને ખતમ કરવા માટે દુનિયાના કોઈ પણ દેશમાં ઘૂસીને ઓપરેશન કરવામાં પાવરધી ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદે વધુ એક પરાક્રમ કર્યુ છે.સાઈપ્રસમાં યહૂદીઓ સામે આંતકી હુમલા કરવાના માસ્ટર માઈન્ડ યુસેફ શાહબાઝીનુ મોસાદના એજન્ટોએ ઈરાનમાં ઘૂસીને અપહરણ કરી લીધુ છે.મોસાદે આ વાતનો ખુલાસો કરતા કહ્યુ છે કે, ટેરરિસ્ટ સેલના માસ્ટર માઈન્ડને મોસાદના એજન્ટોએ એક ઐતહાસિક મિશનના ભાગરુપે ઈરાનમાં ઘૂસીને પકડી લીધો છે.તેણે પૂછપરછ દરમિયાન આતંકી ષડયંત્રનો ખુલાસો કર્યો છે અને તેના સાઈ્પ્રસમાં થયેલા આતંકી હુમલાના કાવતરાનો પર્દાફાશ થયો છે.મોસાદનુ કહેવુ છે કે,દુનિયાના જે પણ દેશમાં યહૂદીઓ પર આતંકી હુમલાનુ કાવતરુ ઘડાશે ત્યાં મોસાદના એજન્ટો પહોંચશે.
મોસાદે કહ્યુ છે કે, અમે જે આતંકીને પકડયો છે તેને ઈરાનની સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવતુ હતુ.તેને હથિયાર પણ પૂરા પાડવામાં આવતા હતા અને આ આતંકીએ યહૂદીઓ સામે કઈ રીતે હુમલા કરવાના હતા તેની પણ જાણકારી પૂરી પાડી છે.ઈઝરાયેલે આ આતંકીને પકડયા બાદ તેના પૂરાવા તરીકે તેની પૂછપરછ કરવામાં આવતી હોય તેવા વિડિયો પણ જાહેર કર્યા છે.