મહારાષ્ટ્રમાં NCP નેતા અજિત પવારે એકાએક સરકારને સમર્થન આપીને ડેપ્યુટી સીએમ બની જતાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે.હવે NCPમાં જ બે જૂથ પડી ગયાં છે,જેમાંથી એક અજિત પવાર સાથે છે અને બીજું તેમના કાકા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર સાથે.આ બધાની વચ્ચે એવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઈ છે કે આ બધા પાછળ શરદ પવારનો જ હાથ છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ એક નિવેદન આપતાં કહ્યું કે, શરદ પવારના સમર્થન વગર આ બધું શક્ય નથી તો શિવસેનાના સાંસદે પણ કંઈક આવી જ વાત કહી હતી.
મહારાષ્ટ્રના તાજા ઘટનાક્રમને લઈને રાજ ઠાકરેએ કહ્યું કે, દિલીપ વલસે પાટીલ,પ્રફુલ પટેલ,છગન ભુજબળ વગેરે જે દાવા કરી રહ્યા છે,તેને જોતાં આ બધું શરદ પવારની જાણ બહાર થઇ શકે તેમ નથી.આ એક રાજકીય નાટક છે. ઠાકરેએ કહ્યું કે, શરદ પવારનું કહેવું છે કે તેમને આ બધા વિશે કંઈ ખબર ન હતી,પરંતુ મને એવું નથી લાગતું.મને લાગે છે કે અજિત પવારના દરેક પગલાં વિશે શરદ પવારને ખબર હશે.આ બધું શરદ પવારનું રાજકીય નાટક છે.આજે તો કોણ કોનો મિત્ર છે અને કોનો દુશ્મન એ જ જાણી નથી શકાતું.તેમણે ઉમેર્યું કે, દિલીપ વલસે પાટીલ હોય કે પ્રફુલ પટેલ કે પછી છગન ભુજબળ,આ બધા લોકો આમ જ પાર્ટીમાંથી નહીં જતા રહે.કાલે ઉઠીને સુપ્રિયા સુલે કેન્દ્રીય મંત્રી બની જાય તોપણ મને આશ્ચર્ય નહીં થાય. ઉલ્લેખનીય છે કે દિલીપ વલસે પાટીલ,પ્રફુલ પટેલ અને છગન ભુજબળ વગેરે નેતાઓ શરદ પવારના અત્યંત નજીકના નેતાઓ માનવામાં આવે છે,પરંતુ ગઈકાલે અચાનક તેમણે અજિત પવાર સાથે રાજભવન જઈને મંત્રી પદના શપથ લઇ લીધા હતા.જોકે, પ્રફુલ પટેલ આ સમગ્ર ઘટનાક્રમમાં સાથે રહ્યા છે પરંતુ ગઈકાલે તેમણે શપથ લીધા ન હતા.
VIDEO | "Whatever Dilip Walse Patil, Praful Patel, Chhagan Bhujbal are claiming, it could not have happened without the knowledge of Sharad Pawar. This is a political drama," said MNS chief Raj Thackeray on political situation in Maharashtra earlier today. pic.twitter.com/M6GKjtP6K2
— Press Trust of India (@PTI_News) July 3, 2023
આ જ પ્રકારનો એક દાવો શિવસેનાના (એકનાથ શિંદે જૂથ) સાંસદ સદા સરવણકરે કર્યો છે.તેમણે કહ્યું કે, NCPમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેમાં શરદ પવારનું સમર્થન છે.તેમણે કહ્યું, શરદ પવારની આખી રમત જુઓ.અજિત પવારને ભૂલી જાઓ, છગન ભુજબળ અને પ્રફુલ પટેલ કઈ રીતે અમારી સાથે આવ્યા? શરદ પવાર સાહેબે કહ્યું કે, તમે શપથ લો અને હું પુણેમાં જઈને બેસી જઈશ. NCP અધ્યક્ષ (શરદ પવાર)ના સમર્થન વગર આ બધું શક્ય જ નથી.