– ગુરુવારે તેમની પાર્ટીના નેતા પહેલાં સંજય રાઉતને મળ્યા અને બે ભાઈએ એક થવાની ચર્ચાએ જોર પકડ્યા બાદ ગઈ કાલે રાજ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળતાં જાતજાતની અટકળો થઈ શરૂ
મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા સમીકરણો આકાર લઈ રહ્યા છે.એક બાજુ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે આવવાની વાતો સંભળાઈ રહી હતી.એમાં રાજ ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર મુલાકાત લેતાં નવાં સમીકરણો આકાર લઈ રહ્યાં હોય એવી ચર્ચાએ જોર પકડ્યું હતું.મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્યાર બાદ ટ્વીટ કરીને કહ્યું હતું કે બન્ને નેતાઓ વચ્ચે નાશિક જિલ્લામાં ખેડૂતોને આપવામાં આવેલી લોન,મુંબઈની બીડીડી ચાલના રીડેવલપમેન્ટના મુદ્દે અને સિડકો દ્વારા તેમના ઘરના ભાવમાં કપાત કરાય એ મુદ્દે ચર્ચાઓ થઈ હતી.આ બધા મુદ્દા પર વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પહેલાં એમએનએસના નેતા અભિજિત પાનસેએ ગુરુવારે જ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતની મુલાકાત લીધી હતી.એને કારણે બન્ને પિતરાઈ ભાઈઓ સાથે આવવાની જે વાતો ચાલી રહી હતી એને પુષ્ટિ મળી હતી.