શરદ પવારે જ એનસીપીમાં બળવાની સ્ક્રિપ્ટ લખેલી?

99

ભત્રીજા અજિત પવારે એનસીપીમાં ઐતિહાસિક બળવો કર્યો છે એટલે તેમને જ પક્ષમાં ભંગાણ કરવા માટે જવાબદાર ગણાવાઈ રહ્યા છે.જોકે એનસીપીના ચીફ શરદ પવાર સાથે ૪૦ વર્ષ કામ કરનારા ચંદ્રરાવ તાવરેએ દાવો કર્યો છે કે પક્ષમાં ભંગાણ કરવાની સ્ક્રિપ્ટ અજિત પવારે નહીં,ખુદ શરદ પવારે લખી છે.

ચંદ્રરાવ તાવરેએ ગઈકાલે એક મરાઠી ન્યુઝચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં શરદ પવાર સાથે ૪૦ વર્ષ કામ કર્યું છે.ચૂંટણીમાં મેં તેમનો પ્રચાર પણ કર્યો છે.તેમનો સ્વભાવ હું સારી રીતે જાણું છું.એનસીપીમાં ક્યારેય ભંગાણ ન પડી શકે.કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે એમાં બચવા માટે શરદ પવારે આ આખું નાટક ઊભું કર્યું છે.કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો પવાર પરિવારની ખૂબ બદનામી થાય.એટલે મુશ્કેલીને ટાળવા માટે ખુદ શરદ પવારે અજિત પવારને આગળ કરીને પક્ષમાં ભંગાણ કરાવ્યું છે.

હવે કૉન્ગ્રેસના વિધાનસભ્યો ફૂટશે?

શિવસેના અને એનસીપી બાદ હવે કૉન્ગ્રેસમાં પણ ભંગાણ થવાની શક્યતા પાણી પુરવઠાપ્રધાન ગુલાબરાવ પાટીલે વ્યક્ત કરી છે.કૉન્ગ્રેસના આ વિધાનસભ્યો કયા પક્ષમાં જશે એ કહેવું અત્યારે મુશ્કેલ હોવાનું તેમણે કહ્યું હતું.ગુલાબરાવ પાટીલે દાવો કરતાં કહ્યું હતું કે હું કૉન્ગ્રેસના કોઈ વિધાનસભ્યના સંર્પકમાં નથી કે કોઈની સાથે મારી વાત પણ નથી થઈ.જોકે છેલ્લા કેટલાક સમયમાં રાજકારણમાં જે થઈ રહ્યું છે એ કલ્પના બહારનું છે. આથી કૉન્ગ્રેસમાં પણ ભંગાણ થઈ શકે છે.

અપાત્રતા સંબંધે સ્પીકરે ૫૪ વિધાનસભ્યોને નોટિસ મોકલી

શિવસેનાના સત્તાસંઘર્ષ બાબતે રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે શિવસેનાના ૪૦ અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.સાત દિવસમાં તેમને જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.આથી ટૂંક સમયમાં જ પાત્ર-અપાત્રતાનો નિર્ણય સ્પીકર લે એવી શક્યતા છે.

રાજ્યના વિકાસ માટે સત્તામાં સામેલ થયા : અજિત પવાર

એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું કે બીજેપી અને શિવસેનાની સરકાર દ્વારા રાજ્યમાં ગડચિરોલી જેવા નક્સલગ્રસ્ત વિસ્તારમાં વિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે.રાજ્યમાંથી નક્સલવાદ ખતમ કરવા માટેના સરકારના પ્રયાસ છે.રાજ્યના વિકાસ માટે જ અમે સરકારમાં સામેલ થયા. કોઈ ભલે ગમે તે કહે, અમે માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ કરવા માટે જ સરકારમાં જોડાયા છીએ.મહાયુતિના કાર્યકરોએ સાથે આવીને કામ કરવું જોઈએ.મારી બીજેપીના કાર્યકરો,શિવસેનાના કાર્યકરો અને એનસીપીના કાર્યકરોને અપીલ છે કે સરકાર જનતા માટે છે,જનતાની મુશ્કેલી ઓછી કરવા માટે છે એટલે તેમણે બધાએ સાથે આવીને કામ કરવું જોઈએ.

મૈં ન ટાયર્ડ હૂં, ન રિટાયર્ડ હૂં, મૈં તો ફાયર હૂં

અજિત પવારે કાકા શરદ પવારને ઉંમર થઈ હોવાનું કહીને રિટાયર્ડ થવાની સલાહ આપી છે એનો જવાબ શરદ પવારે ગઈ કાલે દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતાની એક લાઇન દ્વારા આપ્યો હતો. શરદ પવારે કહ્યું હતું કે જે રીતે અજિત પવારે મને રાજકારણમાં આરામ કરવાની સલાહ આપી છે એના પર મારા એક સહયોગીએ અટલ બિહારી વાજપેયીની કવિતાની એક પંક્તિ મને સંભળાવી હતી, મૈં ન ટાયર્ડ હૂં, ન રિટાયર્ડ હૂં, મૈં તો ફાયર હૂં. રાજ્ય સરકારના અત્યારના પ્રધાનો સુનીલ તટકરે અને છગન ભુજબળ સહિતના નેતાઓ ૭૦ વર્ષની ઉપરના છે.હું જ્યારે મુખ્ય પ્રધાન હતો ત્યારે ૮૪ વર્ષના મોરારજી દેસાઈ વડા પ્રધાનપદે હતા.તેઓ ખૂબ જુસ્સાથી કામ કરતા હતા. સ્વાસ્થ્ય સારું હોય તો મોટી ઉંમરે પણ કામ કરી શકાય છે.મને આરામ કરવાની સલાહ આપનારા આ તપાસી જુએ.

પીએમ મોદીએ એનસીપીના ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ : શરદ પવાર

અજિત પવારે પક્ષમાં બળવો કર્યા બાદ ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારે નાશિક યેવલામાં શક્તિપ્રદર્શન કરતી સભા કરી હતી.આ સભામાં શરદ પવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપીના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું કહ્યું હતું.આથી તેમણે દોષીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.વડાપ્રધાન મોદી પાસે તમામ તપાસ એજન્સી છે.તેમણે એનસીપીના ભ્રષ્ટ નેતાઓની તપાસ કરાવીને તેમને દંડિત કરવા જોઈએ.કૉન્ગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર હતી ત્યારે અજિત પવાર સિંચાઈપ્રધાન હતા.તેમના સમયમાં ૭૦ હજાર કરોડ રૂપિયાનું સિંચાઈ કૌભાંડ થયું હોવાનો આરોપ અજિત પવાર સામે થયો હતા.આ બાબતને ધ્યાનમાં રાખીને શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે તપાસ કરીને દોષીઓને દંડિત કરવાનું કહ્યું છે.

Share Now