માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને ગુટખા કેસમાં મદદ કરનારા જે.એમ જોશીને જામીન મળ્યા

59

– સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ બાદ બોમ્બે હાઈકોર્ટનો આદેશ
– 10 વર્ષની જેલની સજા પામી ચૂકેલા જોશીને જૈફ વય બીમારી તથા કેસની હકીકતને ધ્યાનમાં રાખી અપાઈ રાહત

મુંબઈ : ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ માટે ગુટખા ફેક્ટરી ઊભી કરવામાં સંડોવણી બદલ ૧૦ વર્ષની જેલની સજા પામેલા ૬૮ વર્ષના જગદિશપ્રસાદ મોહનલાલ જોશી ઉર્ફે જે એમ જોશીને બોમ્બે હાઈ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.જોશી ગોવા પાન મસાલા કંપનીના માલિક છે.ન્યા. ભારતી ડાંગરેએ કેસની સુનાવણી કરીને રૃ. એક લાખના બેન્ડ પર જોશીને જામીન મંજૂર કર્યા હતા.જોશીના વકિલોએ દલીલ કરી હતી કે જોશીને કસૂરવાર ઠેરવતો આદેશ ક્ષતિયુક્ત અને નક્કર પુરાવાવિના અપાયો છે. જોશીને ગુનામાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે અને તેને આરોપીઓમાંનો એક સતત મારી નાખવાની ધમકી આપતો હતો અને આ આરોપી અંડરવર્લ્ડ ગેન્ગના સભ્યો વતી કામ કરતો હતો.

સજા સંભળાવ્યા બાદ જોશીએ હાઈ કોર્ટમાં સજાને પડકારીને અપીલ કરી હતી અને સજા રદ કરવાની પણ અરજી કરી હતી.કેસમાંથી અન્ય આરોપીને મુક્ત કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી સીબીઆઈની ૨૦૧૯ની અપીલ સાથે આ અરજી પણ ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.ડિવિઝન બેન્ચે આ કેસ ચીફ જસ્ટિસ પાસે મોકલાવ્યો હતો આદેશથી અસંતુષ્ટ થઈને જોશીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.કેસના સંજોગો અને હકીકત તેમ જ જોશીની વય અને વિવિધ બીમારીઓને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન પર છોડવાનો નિર્દેશ આપ્યો હતો.આ અનુસાર બોમ્બે હાઈ કોર્ટના આદેશ પ્રમાણે જોશીને જામીન પર મુક્ત કરાશે અને બાકીની કાયદેસર કાર્યવાહી પ્રલંબિત રહેશે.

Share Now