સુરત એરપોર્ટના 27 કરોડના દાણચોરી પ્રકરણમાં ઇમિગ્રેશન ઇન્સપેક્ટર પરાગ દવેની ધરપકડ

114

– ઇમિગ્રેશન પીએસઆઈ પરાગ દવેની આ સ્મગલર્સની સાથે સાંઠગાંઠ હોવાનું જણાતા ધરપકડ કરાઈ

સુરત : સુરત એરપોર્ટ પર શનિવારે પકડાયેલા રૂ.27 કરોડની કિંમતના સોનાના જથ્થા સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.આ પ્રકરણમાં ગોલ્ડ સ્મગલર્સ સાથે સાંઠગાંઠ ધરાવતા ઇમિગ્રેશન ઇન્સપેક્ટર પરાગ દવેની પણ ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આ ઇન્સપેક્ટર અને સ્મગલર્સની તપાસમાં વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે કે, પકડાયેલા સોનાના જથ્થામાંથી 4.67 કિલો સોનું તો એરપોર્ટના શૌચાલયમાં જ નધણિયાત મૂકી દેવાયુ હતું.આને કારણે જ કસ્ટમ વિભાગની સંડોવણી સામે આવી હતી.સોમવારે ચારેય આરોપીની મેડિકલ તપાસ કરાવી કોર્ટમાં રજૂ કરાયા હતા.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઈ)ના જણાવ્યા પ્રમાણે, બાતમીના આધારે અધિકારીઓએ 7 જુલાઈએ મોડી રાત્રે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નં. આઈએક્સ-172માં શારજાહથી આવેલા 3 મુસાફરને પેસ્ટસ્વરૂપે લાવેલા સોનાના જથ્થા સાથે પકડી પાડ્યા હતાં.આ ત્રણ શખ્સોને સોનુ લાવ્યા હોવાની શંકામાં અટકાવ્યા હતા.તેમના હાથના સામાન ઉપરાંત ચેક-ઇન બેગ સામાનની તપાસ કરવામાં આવી હતી.તેમાં પાંચ કાળા કલરના બેલ્ટમાં છુપાવેલા 20 સફેદ કલરના પેકેટમાં 43.5 કિલો સોનું પેસ્ટસ્વરૂપે મળી આવ્યું હતું.

​​​​​​​પકડાયેલા શખ્સોએ કસ્ટમની સંડોવણીના વટાણા વેરી દીધા

સોનાના જથ્થા સાથે પકડાયેલા ત્રણ શખ્સોએ પૂછપરછમાં વટાણા વેરી દીધા હતાં કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અધિકારીઓની મદદથી દાણચોરી કરવા માટે સોનું લાવવામાં આવ્યું હતું.સ્ક્રિનિંગ અને ચેકિંગ ટાળવા ઇમિગ્રેશન પહેલાં સોનુ શૌચાલયમા આપી દેવાનું પ્લાનિંગ કર્યું હતું.ડીઆરઆઈના અધિકારીઓએ કાર્યવાહી કરી એ પહેલાં કોઈકે એરપોર્ટના ટોઇલેટ સુધી પહોંચાડેલું 4.67 કિલો સોનું પણ પાછળથી પકડી પાડ્યું હતું.આ સોનું સુરત એરપોર્ટના ઇમિગ્રેશન ચેકપોઇન્ટની બાજુમાં જ આવેલા જેન્ટ્સ ટોઇલેટમાં ત્યજી દેવાયેલું હતું.સીઆઈએસએફએ ડીઆરઆઈને આ સોનું સોંપ્યુ હતું.ત્રણ શખ્સો પાસેથી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી.કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ આરોપીઓ નિવેદન લેવાયા હતાં, તેમના નિવેદનના આધારે ઈમિગ્રેશન ઇન્સપેક્ટર સહિત ચારેયની ધરપકડ કરવામાં આવી હતી.

ઇમિગ્રેશન ઇન્સપેક્ટર સહિત કોણ કોણ પકડાયુ

27 કરોડ જેટલી માતબર કિંમતના સોનાની દાણચોરીના પ્રકરણમાં મુસાફર તરીકે આવેલા ત્રણ આરોપી 35 વર્ષનો મોહંમદ સાકીબ મુસ્તાક અહેમદ આતશબાજીવાલા, 31 વર્ષનો ઉવેશ ઈમ્તિયાઝ શેખ, 35 વર્ષનો યાસિર મોહંમદ ઈલ્યાસ શેખ અને ઇમિગ્રેશન સબ ઇન્સપેક્ટર પરાગકુમાર ધીરજલાલ દવેની ધરપકડ કરવામાં આવી હતી.તમામને સોમવારે મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ લાઈ જવામાં આવ્યા હતા.ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.

Share Now