રાજ્ય સરકારનું ચોમાસુ સત્ર ૧૭ જુલાઈથી શરૂ થવાનું છે અને સરકારમાં એનસીપીના નેતા અજિત પવાર સહિત નવ નેતાઓની પ્રધાનો તરીકેની શપથવિધિ થઈ છે ત્યારે રાજ્ય સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ ગમે ત્યારે થવાની શક્યતા જોવાઈ રહી છે.અજિત પવાર જૂથના પ્રધાનોને ખાતાંની વહેંચણીની સાથે બીજેપીના મુંબઈના એક સહિત ચાર પ્રધાનનાં પત્તાં કાપવામાં આવે એવી ચર્ચા શરૂ થઈ છે.બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અત્યારના પ્રધાનોની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવાની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.અજિત પવાર સહિતના એનસીપીના ૯ નેતા રાજ્ય સરકારમાં સામેલ થયા બાદ તરત જ પ્રધાનમંડળ વિસ્તરણ થવાની શક્યતા વ્યક્ત કરાતી હતી,પરંતુ કોઈક કારણસર સરકારે આ બાબતે કોઈ નિર્ણય નહોતો લીધો.હવે આ બાબતનો નિર્ણય સરકાર લે એવી શક્યતા છે.રાજ્ય સરકારના અત્યારના પ્રધાનમંડળમાં સામેલ બીજેપીના મુંબઈના એક,ઉત્તર મહારાષ્ટ્રના એક અને પશ્ચિમ મહારાષ્ટ્રના બે મળીને ચાર પ્રધાનનાં પત્તાં કાપવામાં આવે એવી શક્યતા છે.
મારે લીધે કમર અને ગળાના પટ્ટા નીકળ્યા : એકનાથ શિંદે
ઉદ્ધવ ઠાકરે દ્વારા રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા છે.રવિવારે ષણ્મુખાનંદ હૉલમાં અલ્પસંખ્યક સમાજ માટેના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે સત્તામાં હતા ત્યારે ઘરમાં પાટા બાંધીને બેઠા હતા, તેઓ આજે પાટા ફગાવીને જનતાની વચ્ચે જઈ રહ્યા છે.હું જનતાની વચ્ચે જઈને કામ કરી રહ્યો છું એટલે હવે આ લોકો પણ ઘરની બહાર નીકળ્યા છે અને રાજ્યભરમાં ફરવા લાગ્યા છે.મારે કારણે કોઈની કમરનો તો કોઈના ગળાનો પટ્ટો નીકળી ગયો છે.સારું છે,રાજ્યની જનતા માટે આ સારું છે.
ઠાકરે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના પક્ષ અને ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદે ફાળવ્યાં છે.સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ચૂંટણી પંચે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે રજૂ કરેલા પુરાવાને આધારે આ નિર્ણય લીધો હતો.ચૂંટણી પંચનો આ નિર્ણય યોગ્ય ન હોવાનો દાવો કરીને ઉદ્ધવ ઠાકરે જૂથે આ મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ૩૧ જુલાઈએ આ અરજીની સુનાવણી કરવામાં આવશે એવું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે.ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચે કરેલા નિર્ણયને રદ કરવાની માગણી અરજીમાં કરી છે.રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે અપાત્રતા બાબતે શિવસેનાના તમામ વિધાનસભ્યોને નોટિસ મોકલીને એક અઠવાડિયામાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.આથી ટૂંક સમયમાં વિધાનસભ્યોની પાત્રતા-અપાત્રતાનો ફેંસલો આવવાની શક્યતા હતી ત્યારે જ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.આથી હવે વિધાનસભ્યોની અપાત્રતાનો ફેંસલો લંબાવાની શક્યતા છે.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના માણસો દ્વારા મુખ્ય પ્રધાનપદ મેળવ્યું હતું
૨૦૧૯માં બીજેપી સાથેની યુતિ તોડ્યા બાદ એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને મહાવિકાસ આઘાડીની સરકાર રચવાની તૈયારીઓ ચાલતી હતી ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન બનવા માટે શરદ પવાર પાસે પોતાના માણસો મોકલ્યા હોવાનો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એક મરાઠી ન્યુઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં ગઈ કાલે કર્યો હતો.એકનાથ શિંદેએ આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેએ રાજ્યમાં એક શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવવાનું સપનું જોયું હતું.એ મુજબ મહાવિકાસ આઘાડી સરકારમાં મને મુખ્ય પ્રધાનપદ આપવાની તૈયારીઓ થઈ ગઈ હતી.જોકે ઉદ્ધવ ઠાકરે ખુદ મુખ્ય પ્રધાન બનવા માગતા હતા.પોતે મહાવિકાસ આઘાડીના પ્રણેતા શરદ પવારને સામે ચાલીને કહી ન શકે એટલે તેમણે પોતાના માણસોને શરદ પવાર પાસે મોકલ્યા હતા અને તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે એવી રજૂઆત કરી હતી.એ સમયે શરદ પવારને મળવા ગયેલા શિવસેનાના કેટલાક નેતા અત્યારે અમારી સાથે છે અને કેટલાક ઉદ્ધવ ઠાકરે સાથે જૂથમાં છે.સમય આવ્યે અને જરૂર પડશે તો હું તેમનાં નામ જાહેર કરીશ.
વડા પ્રધાન મોદીને લોકમાન્ય ટિળક રાષ્ટ્રીય પુરસ્કાર અપાશે
સ્વતંત્રતાની લડતમાં મહત્ત્વનું યોગદાન આપનારા મહારાષ્ટ્રના આગેવાન લોકમાન્ય ટિળકની સ્મૃતિમાં દર વર્ષે પહેલી ઑગસ્ટે સમાજમાં યોગદાન આપનારા મહાનુભાવોને પુરસ્કાર આપવામાં આવે છે.લોકમાન્ય ટિળક ટ્રસ્ટ દ્વારા આ વર્ષે આ રાષ્ટ્રીય પુરસ્કાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શરદ પવાર હશે તો એ સમયે રાજ્યના રાજ્યપાલ રમેશ બૈસ,મુખ્ય પ્રધાન એકનાથ શિંદે,નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિતના મહાનુભાવો હાજર રહેશે.એનસીપીમાં બળવા બાદ કદાચ પહેલી વખત શરદ અને અજિત પવાર એક મંચ પર જોવા મળશે.