– જસવંત મોદી પાસેથી મળી આવી રૂ.4.22 કરોડની સંપત્તિ
– પરિવારના સભ્યોના નામે જુદા જુદા પ્રકારનું રોકાણ મળ્યું
પાટણના સમી તાલુકા પંચાયતના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તત્કાલીન એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જસવંત મોદી પાસેથી રૂપિયા 4.22 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા હડકંપ મચ્યો છે. ACBના સર્ચ ઓપરેશન દરમિયાન આરોપી નિવૃત ઈજનેરની સ્થાવર અને જંગમ મિલકતોના બેનામી દસ્તાવેજો મળી આવ્યા હતા.ત્યારબાદ રાજ્ય ACBએ પાટણ ACB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.તો જસવંત મોદીની સાથે તેની પત્ની સામે પણ ગુનો દાખલ કરાયો છે.જો હવે ટુંક સમયમાં આરોપી જસવંત અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવશે.મહત્વનું છે કે, અપ્રમાણસર મિલકત કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ અને CBI ગાઈડલાઈન અનુસાર, નાણાકીય સલાહકાર દ્વારા ફોરેન્સિક એકાઉન્ટિંગ કરી નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરાયું હતું.
અમદાવાદ ACB એ પરિવારના સભ્યોની મિલકત પણ તપાસી
મળતી માહિતી મુજબ, સમી તાલુકા પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા DRDA ના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર અને હાલ નિવૃત્ત થયેલા જશવંતભાઈ હિંમતભાઈ મોદીના વિરુદ્ધની પ્રાથમિક તપાસ માટે અમદાવાદ ACB એ તેમના અને તેમના પરિવારના સભ્યોના મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ,બેંકના ખાતાઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી.તેમના નાણાંકીય વ્યવહારોનું નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાયું હતું અને જશવંતભાઈ મોદી સામે અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી હતી.
આવકની સરખામણીએ 30.13 ટકા વધુ સંપતિ મળી આવી
ઉપરાંત તેમની સેવા વિષયક દસ્તાવેજી માહિતી,તેમની અને તેમના પરિવારજનોની સ્થાવર જંગમ મિલકતો સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તેમણે તેમના હોદ્દાની રૂએ ફરજ દરમિયાન કાયદેસરની આવક રૂ 14,01,75,862 ના પ્રમાણમાં રૂ 4,22,41,850 ની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું જણાયું છે જે તેમની કાયદેસરની આવકની સરખામણીએ 30.13 ટકા જેટલી વધુ અપ્રમાણસર મિલકત વસાવી છે.
મોદી દંપતી સામે નોંધાયો ગુનો
એસીબીના જણાવ્યા મુજબ જશવંતભાઈ હિંમતભાઈ મોદીએ તેમની કાયદેસરની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટાચાર થી નાણાં મેળવી તેનો ઉપયોગ કરી તેમના અને આશ્રિતોના નામે મિલકતોમાં તેમજ શેરબજારમાં રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ એસીબીની તપાસમાં ફલિત થતા પાટણ ખાતે હિંગળાચાચરમાં આવેલા મોટા વાસમાં રહેતા જશવંત હિંમતભાઈ મોદી અને તેમના પત્ની ભાવનાબેન મોદી સામે અરજીના તપાસ અધિકારી અમદાવાદ એસીબી ફિલ્ડ પી.આઈ એન.બી સોલંકીએ પાટણ એસીબી પોલીસ મથકે પતિ પત્ની સામે ગુનો દાખલ કરાવ્યો છે અને તેની તપાસ પાટણ એસીબી પીઆઇ જે.પી સોલંકીને સોંપવામાં આવી છે.